જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ક્લાઇવ રાઇસે મંગળવારે અંતિ મશ્વાસ લીધા હતા. ૬૬ વર્ષના ક્લાઇવ રાઇસ બ્રેઇન ટ્યૂમરથી પીડાતા હતા. ચાર મહિના પૂર્વે જ બેંગલૂરુમાં તેમની રોબોટિક રેડિએશન ટ્રિટમેન્ટ થઈ હતી.
રંગભેદના કારણે સાઉથ આફ્રિકા ૨૦ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતું તે વેળા રાઇસ ૧૯૭૧-૭૨માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે સાઉથ આફ્રિકન ટીમના કેપ્ટન તરીકે પસંદ થયા હતા. જોકે ઓસ્ટ્રેલિયન સરકારે રંગભેદ નીતિના કારણે આ પ્રવાસ રદ કર્યો હતો. ૧૯૯૧માં સાઉથ આફ્રિકાનું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગમન થયું ત્યારે રાઇસે ભારત સામે ભારતની ધરતી પર રમાયેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. રાઇસને આશ્ચર્યજનક રીતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં રમાયેલી વર્લ્ડ કપ માટેની ટીમમાંથી પડતા મૂકાયા હતા કેમ કે પસંદગીકારોએ યુવા ટીમને વધુ પ્રાધાન્ય આપ્યું હતું.
ઇયાન બોથમ, ઇમરાન ખાન, કપિલ દેવ તથા રિચાર્ડ હેડલી જેવા મહાન ઓલરાઉન્ડર્સના યુગમાં રાઇસને પોતાની પ્રતિભા દેખાડવાની વધારે તક મળી નહોતી. જોકે તેમણે સ્થાનિક, ઇંગ્લિશ કાઉન્ટી તથા કેરી પેકર સિરીઝમાં પોતાનો જાદુ પાથર્યો હતો. રાઇસે ત્રણ ઇન્ટરનેશનલ વન-ડેમાં ૧૩ની સરેરાશથી ૨૬ રન કર્યા હતા. તેમણે ૪૮૨ પ્રથમ કક્ષાની મેચોમાં ૪૮ સદી તથા ૧૩૭ અડધી સદી વડે ૨૬,૩૩૧ રન બનાવ્યા હતા.