કેપટાઉનઃ ભારતમાં આવતા મહિનાથી શરૂ થઇ રહેલી ગાંધી-મંડેલા ક્રિકેટ સીરિઝ માટે સાઉથ આફ્રિકાએ ટૂર્નામેન્ટના ત્રણ અલગ-અલગ ફોર્મેટ માટે ત્રણ કેપ્ટન સાથેની ટીમની જાહેરાત કરી છે. ઓપનિંગ બેટ્સમેન હશિમ અમલાને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવાયો છે. જ્યારે સ્ફોટક બેટ્સમેન એબી ડી’ વિલિયર્સને વન-ડે ટીમનો અને ફાફ ડુ પ્લેસિસને ટ્વેન્ટી૨૦ ટીમનો કેપ્ટન બનાવાયો છે. બંને દેશ વચ્ચેની શ્રેણી ગાંધી જયંતી - બીજી ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ (સીએસએ) ગુરુવારે ત્રણેય કેપ્ટન સાથેની ટીમોની જાહેરાત કરી હતી. ટીમમાં ૨૫ વર્ષીય ડેન પિએડે એક વર્ષ બાદ ટીમમાં પુનરાગમન કર્યું છે. તેણે ૨૦૧૪માં ઝિમ્બાબ્વે સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. પિએડ ઉપરાંત લેગ સ્પિનર ઇમરાન તાહિરને પણ સ્પિનર સાયમન હાર્મર સાથે ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. તાહિરને જુલાઇમાં બાંગલાદેશ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન બહાર રખાયો હતો.
ઇજાગ્રસ્ત હોવા છતાં ફાફ ડુ પ્લેસિસને ટી૨૦નો કેપ્ટન બનાવાયો છે, પરંતુ તેનું ભારત આવવું શંકાસ્પદ છે. ટીમના મેનેજર ડોક્ટર મૂસાજીએ જણાવ્યું હતું કે પ્લેસિસની નિષ્ણાત તબીબ પાસે સારવાર કરાવવામાં આવી રહી છે અને તેમના રિપોર્ટ બાદ તેના અંગે નિર્ણય લેવાશે.
ટેસ્ટ ટીમઃ હાશિમ અમલા (કેપ્ટન), એબી ડી’ વિલિયર્સ, તેમ્બા બાવૂમા, જેપી ડ્યુમિની, ફાફ ડુ પ્લેસિસ, ડિન એલ્ગર, સાઇમન હાર્મેર, ઇમરાન તાહિર, મોર્ને મર્કેલ, વેર્નોન ફિલાન્ડર, ડેન પીડ્ટ, કાગિસો રબાડા, સ્ટેઇન,વાન ઝીલ, ડિન વિલાસ
વન-ડે ટીમઃ એબી ડી’ વિલિયર્સ (કેપ્ટન), કેયલ એબોટ્ટ, હાશિમ અમલા, ફરહાન બેહાર્ડિન, ડી’ કોક, જેપી ડ્યુમિની, ફાફ ડુ પ્લેસિસ, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, મોર્ને મર્કેલ, ક્રિસ મોરિસ, એરોન ફાંગિસો, કાગિસો રબાડા, રિલી રોસોયુ, ડેલ સ્ટેઇન
ટ્વેન્ટી૨૦ઃ ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેયલ એબોટ્ટ, હાશિમ અમલા, ફરહાન બેહાર્ડિન, ડી’ કોક, મર્ચન્ટ ડી લાંગે, એબી ડી’ વિલિયર્સ, જેપી ડ્યુમિની, ઇમરાન તાહિર, ઇડી લીઇ, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, રબાડા, ડેવિડ વાઇસી અને ખાયા ઝોન્ડો.
ટીમ ઇંડિયાઃ ૩૦ સંભવિતો જાહેર
સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ભારતના ૩૦ સંભવિત ખેલાડીના નામ કરાયા છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, શિખર ધવન, મુરલી વિજય, રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, સ્ટુઅર્ટ બિન્ની, સાહા, નમન ઓઝા, આર. અશ્વિન, અમિત મિશ્રા, હરભજન સિંહ, ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ, વરુણ એરોન, કરુણ નાયર, સુરેશ રૈના, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, પ્રજ્ઞાન ઓઝા, રવીન્દ્ર જાડેજા, મોહિત શર્મા, કર્ણ શર્મા, અંબાતી રાયડુ, ધવલ કુલકર્ણી, કેદાર જાધવ, મનીષ પાંડે અને ભુવનેશ્વરનો સમાવેશ થાય છે.