સાઉદી યુવરાજે £૩૦૫ મિલિ.માં ન્યુકેસલ યુનાઈટેડ ફૂટબોલ ક્લબ ખરીદી

Wednesday 13th October 2021 08:47 EDT
 
 

લંડનઃ સાઉદી યુવરાજ મોહમ્મદ બિન સલમાન (MBS)ના વડપણ હેઠળના કોન્સોર્ટિયમે ગુરુવાર ૭ ઓક્ટોબરે ૩૦૫ મિલિયન પાઉન્ડમાં ઈંગ્લેન્ડની પ્રખ્યાત પ્રીમિયર લીગ ન્યુકેસલ યુનાઈટેડ ફૂટબોલ ક્લબ હસ્તગત કરી લેતા તે વિશ્વની સૌથી ધનાઢ્ય ક્લબ્સમાંની એક બની છે. આ સમાચાર બહાર આવતા જ ફૂટબોલ ક્લબના ચાહકોમાં આનંદ ફેલાઈ ગયો હતો અને ક્લબના સેન્ટ જેમ્સ પાર્ક સ્ટેડિયમમાં ઉજવણી શરૂ કરી દેવાઈ હતી.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ યુવરાજ મોહમ્મદ બિન સલમાનના અધ્યક્ષપદ હેઠળના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) દ્વારા પ્રીમિયર લીગ ક્લબ ન્યુકેસલ યુનાઈટેડ ખરીદવાના સોદાને આખરી સ્વરૂપ આપી દેવાયું છે. ક્લબમાં PIFનો ૮૦ ટકાનો બહુમતી હિસ્સો રહેશે. કોન્સોર્ટિયમમાં PIF, PCP Capital Partners અને RB Sports & Mediaનો સમાવેશ થાય છે. પ્રીમિયર લીગ ન્યૂકેસલ યુનાઈટેડ ફૂટબોલ ક્લબ અને સેન્ટ જેમ્સ હોલ્ડિંગ્સ લિમિટેડના નિવેદનમાં ક્લબ પર અંકુશ તેમજ કતારસ્થિત બ્રોડકાસ્ટર beIN સ્પોર્ટ્સ સંબંધિત કાનૂની વિવાદો ઉકેલાઈ ગયા હોવાનું જણાવાયું હતું પ્રીમિયર લીગને કાનૂની બંધનકર્તા ખાતરીઓ અપાઈ છે કે ન્યૂકેસલ યુનાઈટેડ ફૂટબોલ ક્લબ પર સાઉદી અરેબિયા કિંગ્ડમનો અંકુશ રહેશે નહિ. PIF સાઉદી અરેબિયાનું ૪૩૦ બિલિયન ડોલરનું સોવરિન ફંડ છે અને ઓઈલમાંથી પ્રાપ્ત આવકોનું રોકાણ નવા ક્ષેત્રોમાં કરી અર્થતંત્રને ૨૦૩૦ સુધીમાં નવું સ્વરુપ આપવાની યોજના ધરાવે છે.

જોકે, માનવાધિકાર ગ્રૂપ્સ આ સોદાથી નારાજ છે કારણકે સાઉદી અરેબિયાના વાસ્તવિક શાસક MBS અને તેમનો દેશ મહિલાઓ સાથે વ્યવહાર, જર્નાલિસ્ટ જમાલ ખાશ્શોગી અને યેમેનમાં વર્તમાન યુદ્ધ સહિતની બાબતો માટે જવાબદાર ગણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter