નવી દિલ્હીઃ ભારતમાં રમતગમત ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આ વર્ષે મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિરઝાને એનાયત થશે. જ્યારે ક્રિકેટર રોહિત શર્મા અને શૂટર જીતુ રાય સહિત ૧૭ ખેલાડીઓની અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ સન્માન હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિન ૨૯ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે એનાયત થશે.
વિમેન્સ ટેનિસના ડબલ્સમાં વિશ્વમાં ટોચનો ક્રમ ધરાવતી સાનિયાએ તાજેતરમાં વિમ્બલ્ડન ઓપનમાં સ્વિસ ખેલાડી માર્ટિના હિંગીસ સાથે મળીને ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. લિયેન્ડર પેસ બાદ આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારી સાનિયા બીજી ટેનિસ ખેલાડી છે.
૨૮ વર્ષીય સાનિયાએ તેની કારકિર્દીમાં ત્રણ મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ્સ જીત્યા છે. આ એવોર્ડ મેળવવાની સ્પર્ધામાં તેણે સ્કવોશ ખેલાડી દીપિકા પલ્લીકલ, ડિસ્કસ થ્રોઅર વિકાસ ગોવડા, ટ્રેક એન્ડ ફિલ્ડ સ્ટાર ટીન્ટુ લુકા, શટલર પી. વી. સિંધુ અને હોકી ટીમના કેપ્ટન સરદાર સિંહને પાછળ પાડી રાખ્યા હતા.
અર્જુન એવોર્ડ માટે પસંદ થયેલા ખેલાડીઓમાં પી. આર. શ્રીજેશ (હોકી), દીપા કરમાકર (જિમ્નેસ્ટિક), જીતુ રાય (શૂટિંગ), સંદીપ કુમાર (આર્ચરી), મનદીપ જાંગરા (બોક્સિંગ), બબિતા (રેસલિંગ), બજરંગ (રેસલિંગ), રોહિત શર્મા (ક્રિકેટ), કે. શ્રીકાંત (બેડમિન્ટન), સ્વર્ણ સિંહ વિર્ક (રોવિંગ), સતિષ શિવાલિંગમ્ (વેઈટ લિફ્ટિંગ), સંતોઈ દેવી (વુશુ), સારથ ગાયકવાડ (પેરા-સેઇલિંગ), એમ. આર. પુવામ્મા (એથ્લેટિક્સ), મનજિત ચિલ્લાર (કબડ્ડી), અભિલાષા મહાત્રે (કબડ્ડી) અને અનુપ કુમાર યામા (રોલર સ્કેટિંગ)નો સમાવેશ થાય છે.