સેન્ટ પીટર્સબર્ગઃ ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની જોડીદાર સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગિસની જોડીએ સતત ૪૦મી મેચમાં જીત સાથે સેન્ટ પીટર્સબર્ગ લેડીઝ ટ્રોફીમાં મહિલા ડબલ્સનું ટાઇટલ જીત્યું છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં સાનિયા-હિંગિસની જોડીનો સામનો રશિયાની દુશેવિના અને ચેક રિપબ્લિકની બાર્બરા ક્રેજકોવાન સામે હતો, જેમાં ઇન્ડો-સ્વિસ જોડીએ આ મુકાબલો ૬-૩, ૬-૧થી જીત્યો હતો.
૫૭ મિનિટ સુધી ચાલેલા મુકાબલાના પ્રથમ સેટમાં પ્રારંભે સંઘર્ષ જોવા મળ્યો હતો, જેના કારણે સાનિયા-હિંગિસ અને દુશેવિના-ક્રેજકોવાની જોડી એક સમયે ૨-૨ની બરાબરી પર હતી. જોકે આ પછી સાનિયા-હિંગિસે સતત ત્રણ ગેમ જીતીને ૫-૨ની લીડ મેળવી હતી. યુએસ ઓપનથી લઈને અત્યાર સુધી સાનિયા-હિંગિસની જોડી એક પણ મેચ હારી નથી.
સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગિસની જોડીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુએસ ઓપનમાં વિજયી શરૂઆત કરતાં ટાઇટલ જીત્યા બાદ પાછળ વળીને જોયું નથી. આ જોડીએ ત્યારબાદ ગ્વાંગઝુ ઓપન, વુહાન ઓપન, બૈજિંગ ઓપન, ડબ્લ્યુટીએ ફાઇનલ્સના ટાઇટલ જીત્યા હતા. આ વર્ષે પણ વિજયકૂચ જાળવતાં બ્રિસ્બેન ઓપન, સિડની ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતી લીધા છે ત્યારે સેન્ટ પીટર્સબર્ગમાં ચેમ્પિયન બનીને વધુ એક ટાઇટલ પોતાના નામે કર્યું છે.