બેન્ચે જણાવ્યું હતું કે શ્રીનિવાસનનું બીસીસીઆઈ અધ્યક્ષ હોવું અને સાથે આઈપીએલમાં રમી રહેલી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના માલિક હોવાથી હિતો જોખમાય છે. વળી, ચેન્નઈ સુપર કિંગ્સના અધિકારી ગુરુનાથ મયપ્પન સટ્ટાકાંડમાં દોષી છે. આટલી બધી વિસંગતતા હોવા છતાં બીસીસીઆઈ પોતાના કાયદા અંતર્ગત ચેન્નઈ સુપર કિંગ્સને ગેરલાયક કેમ નથી ઠેરવતી? કોર્ટે સવાલ કર્યો હતો કે બીસીસીઆઇમાં અધ્યક્ષ પદની ચૂંટણી કરવા દેવામાં આવે અને જે લોકોનાં નામ કેસમાં સામેલ છે તેમને ચૂંટણીથી દૂર રાખવામાં આવે તો કેવું?
તો કોના ઉપર શું અસર થાય?
• શ્રીનિવાસન ઉપરઃ બીસીસીઆઇના અધ્યક્ષ બનવું મુશ્કેલ બનશે. એમ થશે તો દાલમિયા જૂથની સાથે મળીને પોતાના કોઈ વિશ્વાસુને અધ્યક્ષ બનાવી શકે છે.
• કેપ્ટન ધોની ઉપરઃ કોર્ટે જણાવ્યું હતું કે ધોની ચેન્નઈ ટીમના કેપ્ટન છે અને ઇન્ડિયા સિમેન્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ પણ. તેની બેવડી ભૂમિકા ચિંતાનો વિષય છે. આગામી સુનાવણીમાં કોર્ટ ધોની અંગે કોઈ ટિપ્પણી કરી શકે છે.
• આઈપીએલ ઉપરઃ જો ચેન્નઈની માન્યતા રદ થાય તો ફ્રેન્ચાઇઝીની બીજી વખત હરાજી થશે. ૨૦૧૫માં ૧૬ એપ્રિલથી આઈપીએલ શરૂ થશે. ત્યાં સુધી હરાજી નહીં થાય તો તેમાં સાત ટીમો ભાગ લેશે.
• ખેલાડીઓ ઉપરઃ નવી ફ્રેન્ચાઇઝી પોતાની ટીમમાં ચેન્નઈના ખેલાડીઓને રાખી શકે છે. જો તે એમ કરે તો ખેલાડીઓની ફરીથી હરાજી થાય.