નવી દિલ્હીઃ પહેલવાન સુશીલ કુમાર રિયો ઓલિમ્પિકમાં નહીં રમી શકે. દિલ્હી હાઇ કોર્ટે સોમવારે નરસિંહ યાદવ સાથે ટ્રાયલ કરવાની તેની અરજી ફગાવી દીધી. આમ હવે નરસિંહ યાદવનું રિયો ઓલિમ્પિક્સ માટે નામ નક્કી થઇ ગયું છે. જસ્ટિસ મનમોહને ૩૭ પાનાના નિર્ણયમાં સુશીલને કહ્યું કે તમે ૬૬ કિલોના દિગ્ગજ ખેલાડી છો, પણ ૭૪ કિલોમાં ટ્રાયલની માગણી યોગ્ય નથી, અને એ પણ ઓલિમ્પિક્સના માત્ર બે જ મહિના બાકી છે ત્યારે. આંતરરાષ્ટ્રીય ખેલોમાં મેડલ માત્ર શારીરિક નહીં, માનસિક મજબૂતીથી જીતી શકાય છે. હવે ટ્રાયલ કરાવવી ખેલાડીની માનસિક તૈયારીને નુકસાન પહોંચાડી શકે છે. ઇજા પણ થઈ શકે છે. આ સંજોગોમાં ટ્રાયલ કોઈ પણ જીતે પણ દેશ હારી જશે. સુશીલે કહ્યું હતું કે સર્વશ્રેષ્ઠે જ ઓલિમ્પિક્સમાં જવું જોઈએ અને આ ટ્રાયલથી જ નક્કી થઈ શકશે. તેણે રેસલિંગ ફેડરેશનની પસંદગી પ્રક્રિયા પર પણ સવાલ કર્યો હતો. જોકે કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે પસંદગી પ્રક્રિયા પારદર્શી અને તાર્કિક છે. એને બદલવી યોગ્ય નહીં હોય.