રાજકોટઃ શહેરના શાનદાર સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી શ્રેણીની ત્રીજી અને આખરી ટ્વેન્ટી20 મેચમાં ભારતે શ્રીલંકા પર શાનદાર વિજયની સાથે 2-1સીરિઝ પણ જીતી છે. સૂર્યકુમારની વિસ્ફોટક સદી (અણનમ 112) બાદ અર્શદીપ, હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક તેમજ ચહલે અસરકારક બોલિંગ પ્રદર્શન કરતાં ભારતે નિર્ણાયક ટી20માં 91 રને વિજય મેળવ્યો હતો.
ભારતે આ સાથે ટી20 શ્રેણીમાં દબદબો આગળ ધપાવતાં સળંગ સાતમી દ્વિપક્ષીય ટી-20 શ્રેણી જીતી લીધી હતી. તો ટીમ ઈન્ડિયા સળંગ 11મી ટી20 શ્રેણીમાં અજેય રહી હતી. એટલું જ નહીં, ટીમ ઇંડિયાએ શ્રીલંકા સામે ઘરઆંગણે એક પણ ટી20 શ્રેણી ના હારવાનો રેકોર્ડ પણ જાળવ્યો હતો.
ખંઢેરી સ્ટેડિયમમાં સૂર્યકુમારની સાથે શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ આક્રમક બેટિંગ કરી હતી. ભારતે પાંચ વિકેટે 228 રનનો જંગી સ્કોર નોંધાવ્યો કર્યો હતો. ભારતની ઈનિંગમાં કુલ મળીને 14 છગ્ગા નોંધાયા હતા. તો ભારતીય બેટ્સમેનોએ શ્રીલંકાની બોલિંગને સાધારણ સ્તરની પૂરવાર કરવાં 19 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આમ ભારતના 228 રનમાંથી 160 રન તો બાઉન્ડ્રીની મદદથી જ નોંધાયા હતા.
ભારતનો સતત સાતમે ટી20 શ્રેણીવિજય
ભારતે ઘરઆંગણે છેલ્લે જૂન2022માં સાઉથ આફ્રિકા સામેની પાંચ ટી20ની શ્રેણી 2-2થી ડ્રો કરી હતી. જોકે, ત્યારબાદ ટીમ ઇંડિયાએ આયરલેન્ડ પ્રવાસમાં બે ટી20ની શ્રેણી 2-0થી, ઈંગ્લેન્ડ પ્રવાસમાં 3 ટી20 શ્રેણી 2-1થી, વિન્ડીઝ પ્રવાસમાં પાંચ ટી20 શ્રેણી 4-1થી, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે 3 મેચની ટી20 શ્રેણી 2-1થી તેમજ ન્યૂઝિલેન્ડ સામે ઘરઆંગણાની ટી20 શ્રેણી 1-0થી વિજય હાંસલ કર્યો હતો. આમ ભારતનો આ સળંગ સાતમો ટી20 શ્રેણી વિજય હતો.
ટી20 સીરિઝમાં ભારત શ્રીલંકા સામે અજેય
ભારતે આ સાથે શ્રીલંકા સામે ઘરઆંગણે એક પણ ટી20 શ્રેણી ના હારવાનો રેકોર્ડ પણ આગળ ધપાવ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 2009માં સૌપ્રથમ ટી20 શ્રેણી ભારતની ભૂમિ પર રમાઈ હતી. જે 1-1થી ડ્રો રહી હતી. જોકે, ત્યારબાદ ભારત 2016માં 2-1થી, 2017માં 3-0થી, 2020માં 2-0થી, 2022માં 3-0થી અને 2023માં 2-1થી શ્રેણી જીત્યું હતું.