સેન્ચ્યુરિયનઃ ઓપનર હાશિમ અમલાના આક્રમક ૧૨૪ રન બાદ બોલર્સની શિસ્તબદ્ધ બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાએ બુધવારે અહીં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ન્યૂ ઝીલેન્ડને ૨૦ રને હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ સાત વિકેટે ૩૦૪ રન કર્યા હતા જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ન્યૂ ઝીલેન્ડની ટીમ ૨૮૪ રનમાં આઉટ થઈ ગઈ હતી.
બેટિંગ પિચ પર યજમાન સાઉથ આફ્રિકા માટે વાન વાયકે (૧૬) તથા અમલાએ પ્રથમ વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી નોંધાવીને સંગીન શરૂઆત કરી હતી. આ પછી અમલા અને રોસોયુએ બીજી વિકેટ માટે ૧૮૫ રનની ભાગીદારી નોંધાવીને ટીમને મોટા સ્કોર તરફ દોરી ગયા હતા. રોસોયુએ ૧૧૨ બોલમાં છ બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર વડે ૮૯ રન ફટકાર્યા હતા. જોકે રોસોયુ તેની ઇનિંગમાં ૬૩ ડોટ બોલ રમ્યો હતો જેના કારણે સાઉથ આફ્રિકાને ઘણું નુકસાન થયું હતું. અમલાએ ૧૨૬ બોલમાં ૧૩ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૧૨૪ રન કર્યા હતા. ડિવિલયર્સે ૯, મિલરે ૧૪ તથા બેહાર્ડિને ૧૫ રન કર્યા હતા.