કોચ્ચિ: આઇપીએલ 2023ના મિની ઓકશનમાં ઇંગ્લેન્ડના સેમ કરને ઇતિહાસ રચ્યો છે. સેમ કરનને પંજાબ કિંગ્સે રૂ. 18.50 કરોડની માતબર રકમ આપીને ખરીદ્યો છે. આ સાથે જ સેમ કરન આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધારે કિંમતે વેચાનારો ક્રિકેટર બની ગયો છે. તેણે ક્રિસ મોરિસનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો કેમરોન ગ્રીન સેમ કરન બાદ બીજા નંબરે સૌથી વધારે રકમ ખર્ચીને ખરીદાયેલો ખેલાડી બન્યો છે. ગ્રીનને મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ 17.50 કરોડની રકમ ખર્ચીને પોતાની ટીમ સાથે જોડ્યો છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર અને સુકાની બેન સ્ટોક્સને ચેન્નઇ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયાની રકમ ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હરાજીની શરૂઆતમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રૂક્સની પણ જોરદાર માગ જોવા મળી હતી. બ્રૂકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
10 ફ્રેન્ચાઇઝીએ રૂ. 167 કરોડ ખર્ચ્યા
વિશ્વની સૌથી હાઈપ્રોફાઈલ ક્રિકેટ લીગ આઈપીએલની હરાજીમાં 10 ફ્રેન્ચાઈઝીએ રૂપિયા 167 કરોડ ખર્ચીને 80 ખેલાડીઓને ખરીદ્યા છે. ઈંગ્લેન્ડના ક્રિકેટરો માટે આ હરાજી લાભદાયી સાબિત થઈ હતી અને તેમના આઠ જેટલા ખેલાડીઓને 58 કરોડ રૂપિયાથી વધુના કરાર મળ્યા છે. હરાજીમાં જે 80 ખેલાડીઓને આઇપીએલની જુદી-જુદી ટીમમાં સ્થાન મળ્યું હતું, જેમાં 51 ભારતીય અને 29 વિદેશી ખેલાડીઓ સામેલ છે. હૈદરાબાદની ટીમે સૌથી વધુ 12 ખેલાડીઓને ટીમમાં સમાવ્યા છે.
વિદેશના ખેલાડીઓની સાથે સાથે જ ભારતના મયંક અગ્રવાલને પણ લોટરી લાગી હતી. મયંકને સનરાઇઝર્સ હૈદરાબાદે 8.25 કરોડની માતબર રકમ આપીને ખરીદ્યો છે. વેસ્ટ ઇન્ડિઝના ફટકાબાજ બેટ્સમેન નિકોલસ પૂરનને પણ આ હરાજીમાં લોટરી લાગી હતી અને 2022ની આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમનારા પૂરનને લખનઉ સુપરજાયન્ટ્સ ટીમે 16 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ સુકાની જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સની ટીમે 5.75 કરોડ રૂપિયા ચૂકવીને પોતાની સાથે રાખ્યો છે.
આયરલેન્ડના જોશુઆ લિટ્ટલ માટે ખેંચતાણ
આયરલેન્ડના જોશુઆ લિટ્ટલ માટે ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે બીડિંગ વોર જોવા મળી હતી. તાજેતરમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં જોશુઆએ હેટ્રિક લીધી હતી. ગુજરાતે 4.4 કરોડમાં તેને ખરીદ્યો હતો. લખનઉ પણ તેને ખરીદવા માગતું હતું. આથી આ બંને વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. છેવટે ગુજરાતે બાજી મારી હતી. આ ઉપરાંત ગુજરાતે મોહિત શર્માને 50 લાખમાં ખરીદ્યો હતો. અમિત મિશ્રાને લખનઉએ 50 લાખમાં ખરીદ્યો હતો. અનકેપ્ડ ખેલાડીમાં શિવમ માવીને લોટરી લાગી હતી. ગુજરાતે તેને 6 કરોડમાં ખરીદ્યો હતો. પ્રેરક માંકડને લખનઉએ રૂ. 20 લાખમાં ખરીદ્યો હતો.
અનકેપ્ડ વિવરાંતે રૂ. 2.60 કરોડ મેળવ્યા
જમ્મુના સ્ટાર ઓલરાઉન્ડર વિવરાંત શર્માએ ધમાલ મચાવી દીધી છે. લેગ સ્પિનર અને આક્રમક ફટકાબાજ વિવરાંતને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 2.60 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની ટીમ સાથે કર્યો છે. વિવરાંતને પોતાની સાથે જોડવા માટે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ ચાલ્યો હતો પણ અંતે દૈરબાદને જીત મળી હતી. 23 વર્ષનો વિવરાંત અનકેપ્ડ કેટેગરીમાં હરાજીમાં મુકાયો હતો. વિવરાંત હજી ટીમ ઇન્ડિયા માટે રમ્યો નથી. જો આઇપીએલમાં સારો દેખાવ કરે તો તેને ટીમમાં સ્થાન મળી શકે છે. હરાજીમાં ફ્રેન્ચાઈઝીએ યુવા ભારતીય ખેલાડીઓ પર પૈસા વરસાવ્યા હતા. તો કેટલાક દિગ્ગજો સામાન્ય કિંમતે વેચાયા હતા. નામીબિયાના ઓલરાઉન્ડર ડેવિડ વીજને એક કરોડમાં કોલકાતાએ ખરીદ્યો હતો. બોલર અવિનાશ સિંહને બેંગ્લોરે 60 લાખ ખર્ચીને પોતાની સાથે લીધો હતો.
ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર્સની ભારે ડિમાન્ડ
અપેક્ષા અનુસાર મિની ઓક્શનમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર્સની સૌથી વધારે ડિમાન્ડ હતી. 30 મિનિટમાં આ ઓલરાઉન્ડર્સ 59 કરોડ રૂપિયા કમાયા હતા. ગત ટી-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહેલા સેમ કરને સૌથી વધારે 18.50 કરોડ મેળવ્યા હતા. કેમેરુન ગ્રીનને મુંબઇએ 17.50 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ચેન્નઇ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. વિન્ડીઝના જેસન હોલ્ડરને રાજસ્થાને 5.75 કરોડ ખર્ચીને ખરીધો હતો.