લંડનઃ દુનિયાની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે જર્મનીની એન્જેલિક કર્બરને વિમ્બલ્ડનમાં વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં ૭-૫, ૬-૩થી હરાવીને સાતમી વખત વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું છે. આ સાથે જ સેરેનાએ જર્મનીની ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફના ૨૨ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાના રેકોર્ડની બરાબરી કરી છે. સેરેના હવે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના રેકોર્ડથી બે ટાઇટલ દૂર છે.
વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં કાર્બરે સેરેના વિલિયમ્સને પરાજ્ય આપ્યો હતો. આમ સેરેનાએ વિમ્બલ્ડનમાં જીત મેળવીને હારનો બદલો પણ લીધો હતો. વિમ્બલ્ડનમાં માર્ટિના નવરાતિલોવા નવ વખત ચેમ્પિયન બની ચૂકી છે. ત્યારે સેરેનાએ સાતમી વખત ટાઇટલ જીતી નવરાતિલોવા બાદ સૌથી વધુ વિમ્બલ્ડન ટાઇટલ જીતનાર બીજી ખેલાડી બની ગઈ છે.
સેરેના વિલિયમ્સે ગત વર્ષે વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બનીને કારકિર્દીનું ૨૧મું ટાઇટલ જીત્યું હતું. જોકે આ પછી યુએસ ઓપનમાં તે સેમિ-ફાઇનલમાં જ બહાર થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં કાર્પર સામે પરાજય થયો હતો. ફ્રેન્ચ ઓપનમાં પણ સેરેના ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ સ્પેનની ગાર્બાઇન મુગુરુઝા ચેમ્પયિન બની હતી. આથી સેરેનાએ ૨૨મું ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડી હતી.