નવી દિલ્હી: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વમાં સૌથી વધારે ગોલ નોંધાવનારો ફૂટબોલર બન્યો છે. પ્રીમિયર લીગમાં ગયા શનિવારે રાત્રે ટોટેનહામ સામે માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી રમતા રોનાલ્ડોએ આ સિદ્ધિ નોંધાવી હતી. 37 વર્ષ અને 35 દિવસના રોનાલ્ડોએ આ વિશ્વવિક્રમ સ્થાપવાની સાથે સાથે ક્લબ કેરિયરની 49મી હેટ્રિક પણ નોંધાવી છે.
આ મેચમાં રોનાલ્ડોએ એક-બે નહીં પણ ત્રણ શાનદાર ગોલ ફટકાર્યા હતા અને ટીમને આ મેચ 3-2થી જીતાડી હતી. રોનાલ્ડોના ગોલની સંખ્યા હવે 807 થઇ ગઇ છે. આ રેકોર્ડ અગાઉ 805 ગોલ ફટકારનારા ચેક રિપબ્લિકના મહાન ખેલાડી જોસેફ બાઇકનના નામે હતો. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મેચોમાં સૌથી વધારે ગોલનો રેકોર્ડ પાછલા વર્ષે જ રોનાલ્ડોએ પોતાના નામે કર્યો હતો. મેચનો પ્રથમ ગોલ 25 યાર્ડથી રોનાલ્ડોએ જ એક ઝડપી રોકેટ કિકથી કર્યો હતો. થોડી મિનિટોમાં જ તેણે પોતાનો 80મો ગોલ કર્યો હતો.
બાઇકનના ગોલ માટે મતમતાંતર
પૂર્વ રેકોર્ડ હોલ્ડર બાઇકને વાસ્તવમાં પોતાની કેરિયરમાં કુલ કેટલા ગોલ કર્યા તેના વિશે મતમતાંતર પ્રવર્તે છે. ચેક ફૂટબોલ એસોસિયેશનના મતે આ આંકડો 815 છે. મહાન ફૂટબોલર પેલે પણ દાવો કરી રહ્યા હતાં કે તેમણે 1283 ગોલ કર્યા છે.