કોચ્ચીઃ કેરળ સરકારે જર્મનીની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફને રાજ્યની ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કરી છે. ૨૨ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતી ચૂકેલી સ્ટેફી ગ્રાફ ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર અમેરિકાના એન્દ્રે અગાસીની જીવનસાથી છે. ટેનિસની કારકિર્દીને અલવિદા કર્યાને વર્ષો વીતી જવા છતાં સ્ટેફી ગ્રાફ આજે પણ આકર્ષક અને આદરણીય વૈશ્વિક સ્પોર્ટ્સ પ્રતિભા તરીકે બહોળો ચાહક વર્ગ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે ૮૦ અને ૯૦ દાયકામાં ગ્રાફ, સાબાટીની જેવી ગ્લેમરસ છતાં હાઈ-ક્લાસ ટેનિસ રમતી ખેલાડીઓને લીધે ભારતમાં યુવા પેઢી ટેનિસની રમતમાં દિલચશ્પી લેતી થઈ હતી. સ્ટેફી ગ્રાફ ખાસ કરીને વિદેશમાં કેરળના પ્રવાસન ઉપરાંત આયુર્વેદ અને વિવિધ પ્રકારની મસાજ થેરેપીનો પ્રચાર કરશે. રાજ્ય પ્રધાનમંડળની બુધવારે મળેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાન ઓમેન ચાંડીએ જણાવ્યું હતું.