દોહાઃ ભારતીય જોડી - પંકજ અડવાણી અને મનન ચંદ્રાએ પ્રથમ આઇબીએસએફ સ્નૂકર ટીમ વર્લ્ડ કપ જીતી લીધો છે. બેસ્ટ ઓફ ફાઇવ ફાઇનલમાં ભારતીય જોડી ૦-૨થી પાછળ રહ્યા બાદ વાપસી કરતાં ૩-૨થી પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. આ સાથે પંકજ અડવાણીએ કારકિર્દીમાં ૧૯મું આંતરરાષ્ટ્રીય ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. જોકે બાદમાં આ જોડીએ પાસું પલ્ટી નાંખ્યું હતું.
ટાઇટલ જીત્યા બાદ પંકજ અડવાણીએ કહ્યું કે, પાકિસ્તાને પ્રારંભે ૨-૦થી સરસાઈ મેળવી હતી જેને કારણે પાકિસ્તાન વર્લ્ડ કપ જીતનું દાવેદાર હતું અને અમારા માટે તક ઘણી ઓછી હતી. જોકે અમે ડબલ્સની ફ્રેમમાં જીત મેળવતાં મેચમાં પુનરાગમન કર્યું હતું, જેના કારણે અમારા માટે જીતના સંજોગો સર્જાયા હતા. આ માટે અમારે બાકીની બંને સિંગલ્સ ફ્રેમ જીતવી જરૂરી હતી અને આ તક અમે ચૂક્યા નહોતા. પંકજ અડવાણીએ કહ્યું હતું કે મનન ચંદ્રાએ સેમિ-ફાઇનલ અને ફાઇનલમાં અસાધારણ દેખાવ કર્યો હતો. જેને કારણે હું સૌથી મોટું ટાઇટલ જીતવામાં સફળ રહ્યો હતો.