વિજયવાડા: સંતાનનાં સ્વપ્ન માટે જીવતા ઝનૂની પિતાનું જીવતું-જાગતું ઉદાહરણ જોવું હોય તો પહોંચો વિજયવાડા અને મળો સત્યનારાયણ નામના આ મહાનુભાવને. સત્યનારાયણનું એક સપનું હતું કે તિરંદાજીમાં ચેમ્પિયન તેમના બન્ને સંતાન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી લાવશે. પુત્ર અને પુત્રી તિરંદાજીમાં એટલા તેજસ્વી હતા કે સત્યનારાયણનું સપનું સાકાર થવા વિશે ભાગ્યે જ કોઇને શંકા હતા. પરંતુ, સમય ક્યારેક કેવો કાળમુખો બની જાય છે તે જુઓ...
વર્ષ ૨૦૦૬માં ૧૭ વર્ષની પુત્રી વોલ્ગો એક અકસ્માતમાં મૃત્યુ પામી. પુત્ર લેનિન પિતાનું સ્વપ્ન સાકાર કરવા દિવસ-રાત એકચિતે મહેનત કરી રહ્યો હતો. વર્ષ ૨૦૧૦માં ૨૪ વર્ષનો પુત્ર લેનિન પણ એક માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો. એટલું જ નહીં, જે માર્ગ દુર્ઘટનામાં પુત્ર લેનિનનું મૃત્યુ થયું, તેમાં જ સત્યનારાયણે પોતાની આંખોની રોશની પણ ગુમાવી દીધી.
સહુ કોઇએ માની લીધું કે સંતાનોને ઓલિમ્પિક ચેમ્પિયન બનાવવા માટે જીવનારા પિતાની સ્ટોરી અહીં સમાપ્ત થઈ. પરંતુ એવું કંઇ ના થયું. હવે વાંચો સત્યનારાયણના શબ્દોમાં જ તેની કહાનીઃ
‘તમે આને ગાંડપણ કહો કે ઝનૂન, ૨૪ વર્ષનો પુત્ર અને ૧૭ વર્ષની પુત્રીને ગુમાવ્યા પછી પણ હું હાર્યો નથી. મારાં બંને બાળક તિરંદાજીમાં અવ્વલ દરજ્જાના ચેમ્પિયન હતાં, પરંતુ પહેલા દીકરી વોલ્ગાએ અને પછી પુત્ર લેનિને સાથ છોડી દીધો. બે ઓક્ટોબર ૨૦૧૦ની એ રાત હું જિંદગીભર નહીં ભૂલી શકું. કોમનવેલ્થ ગેમ્સમાં દેશનો પ્રથમ સિલ્વર મેડલ જીતીને અમે અમારા ઘર વિજયવાડા પાછા ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો અને લેનિને અમારો સાથ છોડી દીધો. મારી આંખોની રોશની જતી રહી.
લેનિનના મૃત્યુના દસમા દિવસે જ મેં તેની યુવાન પત્નીના ભવિષ્યને નજરમાં રાખીને બીજા લગ્નની જાહેરાત કરી દીધી હતી. અમે પતિ-પત્ની ડિપ્રેશનમાં દિવસો વીતાવી રહ્યા હતાં. એક દિવસ પત્નીએ સરોગસી અંગે વાંચ્યું અને માતા બનવાની ઈચ્છા જાહેર કરી. હું ચોંકી ગયો. મેં તેને ખૂબ સમજાવ્યું કે પચાસ વર્ષની વયે બાળકને જન્મ આપવો ગાંડપણ છે. લોકો શું કહેશે? તેણે કહ્યું, મને ચિંતા નથી, પણ આપણે એકેડેમી ચલાવવાના લેનિનનાં સ્વપ્નને અધૂરું નહીં મૂકીએ.
સત્યનારાયણ કહે છે કેઃ અમે પહેલાં પોલેન્ડમાં અને પછી વિજયવાડામાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લીધી અને સરોગસી પ્રોસેસ શરૂ કરી. શિવાની ગર્ભમાં હતી ત્યારે તિરંદાજીનો ઓડિયો સંભળાવતા હતા. બીજી એપ્રિલ ૨૦૧૨ના રોજ ઘરમાં શિવાનીનો જન્મ થયો. તે દસ મહિનાની હતી ત્યારે જ તેણે હાથમાં તીર પકડી લીધું હતું. અમે સરોગસીથી માતા-પિતા બનીને દેશ માટે તિરંદાજીમાં ગોલ્ડ લાવનાર ચેમ્પિયન બનાવવાનો ઈરાદો કર્યો.
હું હવે શિવાનીને તૈયાર કરી રહ્યો છું. મેં આંખોની રોશની ગુમાવી દીધી હું જોઈ તો શકતો નથી, પરંતુ શિવાનીની આંખ અર્જુનની જેમ નિશાન પર છે. આઠ વર્ષની શિવાની અંડર-૯ કેટેગરીમાં નેશનલ ચેમ્પિયન છે અને ઓલિમ્પિકમાં ગોલ્ડનું મારું સ્વપ્ન જરૂર પૂરું કરશે એ તમે લખી રાખજો.