નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ-સ્પિનર હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હરભજને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે જલંધરની નાની ગલીઓથી ટીમ ઇન્ડિયાના ટર્બાનેટર તરીકેની છેલ્લા ૨૫ વર્ષની સફર શાનદાર રહી છે. જ્યારે પણ હું ભારતની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો છું તે મારા માટે સૌથી મોટી પ્રેરણાદાયક બાબત રહી છે. જોકે એક સમય એવો આવે છે જ્યારે તમારે કપરો નિર્ણય લઈને આગળ વધવાનું હોય છે. હું છેલ્લા કેટલાક વર્ષથી નિવૃત્તિની જાહેરાત કરવા માગતો હતો, પરંતુ હું જાહેરાત કરી શકતો ન હતો. મેં સત્તાવાર રીતે હવે નિવૃત્તિની જાહેરાત કરી છે, પરંતુ હું લાંબા સમયથી માનસિક રીતે રિટાયર્ડ થઈ ચૂક્યો છું. આમ પણ હું છેલ્લા કેટલાક સમયથી એક્ટિવ ક્રિકેટ રમી રહ્યો નથી.
ટેસ્ટ હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય
ક્રિકેટચાહકોમાં ટર્બાનેટર તરીકે જાણીતો બનલો ઓફ સ્પિનર હરભજન ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય ખેલાડી હતો. તેણે ૨૦૦૧ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચમાં વિક્રમી ૩૨ વિકેટો હાંસલ કરી હતી. હરભજન ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમનો સભ્ય પણ હતો.
ભજ્જીની ‘મન કી બાત’
હરભજને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે સહુની નજર એ વાત પર હતી કે તે ક્યારે રાજકારણમાં ઝંપલાવે છે. તેની નિવૃત્તિ પાછળ રાજકારણમાં જોડાવાની ઇચ્છા જવાબદાર હોવાનું માનવામાં આવતું હતું પણ હરભજને આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે કે તેની હાલના તબક્કે એવી કોઇ ઇચ્છા નથી.
નિવૃત્તિ બાદ મીડિયા સમક્ષ મન હલકું કરતાં ભજ્જીએ જણાવ્યું છે કે એવું ન હતું કે મને કેપ્ટન્સી કરતા આવડતી ન હતી અથવા તો મારે કરવી ન હતી.
મારી પાસે પંજાબમાં એવી કોઇ વ્યક્તિ જ ન હતી કે જે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)માં ઊંચા હોદ્દા પર બિરાજમાન હોય અને કેપ્ટન્સી માટે મને સપોર્ટ કરી શકે. જો એવું હોત તો હું પણ કદાચ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શક્યો હોત. જો મને તક મળી હોત તો હું મારું સર્વશ્રેષ્ઠ આપી શક્યો હોત. મેં એક સિનિયર ખેલાડી તરીકે મારા તમામ કેપ્ટન્સને સપોર્ટ કર્યો છે.
ભજ્જીના મતે ગાંગુલી બેસ્ટ કેપ્ટન
હરભજન પોતાના સંદર્ભમાં એક સારા કેપ્ટન તરીકેનો યશ ગાંગુલીને આપે છે, તે કહે છે કે જ્યારે હું ટીમની બહાર હતો ત્યારે તેણે મને તક આપી. એટલું જ નહીં મને બોલિંગ કરવા માટે પૂરી આઝાદી આપી અને તેને પરિણામે હું વધારે સારો બોલર બની શક્યો.