લંડનઃ કોરોના મહામારીના કારણે ચાર મેરેથોન ઈવેન્ટ રદ કરાયા પછી ઈલ્ફર્ડના મેરેથોન મેન હરમન્દર સિંહે પોતાના બગીચામાં જ એક સપ્તાહમાં ચાર મેરેથોન પૂર્ણ કરી નવો વિક્રમ બનાવ્યો છે. મેરેથોનથી દૂર રહેવા ન માગતા વેલેસ્લી રોડ પર રહેતા ૬૦ વર્ષીય હરમન્દર સિંહે આટલું અંતર એક સપ્તાહમાં પૂર્ણ કરી શકે તેવો નિર્ણય લીધો હતો. તેઓ ગત ૩૫ વર્ષમાં ગ્રેટ નોર્થ રન અને ગ્રેટ લંડન મેરેથોન પૂર્ણ કરનારા વિશ્વમાં એક માત્ર વ્યક્તિ છે.
રેડબ્રિજ કોમ્યુનિટીના સક્રિય સભ્ય અને શીખ્સ ઈન સિટી સાથે કાર્યરત દોડવીર બરોમાં લોકસ્વાસ્થ્યને સુધારવા પ્રયાસ કરતા રહે છે. હરમન્દર સિંહે જણાવ્યું હતું કે,‘મેરેથોન્સ તો થવાની ન હતી ત્યારે ૧૩ એપ્રિલના શીખોના નવા વર્ષ અગાઉ તે પૂર્ણ કરવાનું મેં વિચાર્યું હતું. પહેલા દિવસે ૧૦ માઈલ દોડ્યો અને તે પછી ૨૫ માઈલ દોડ્યો. જોકે, સાત દિવસમાં ચાર મેરેથોન પૂર્ણ થશે તેવી આશા ન હતી. આમ છતાં, મેં તે પૂર્ણ કરી એટલું જ નહિ ચાર મેરેથોનના ૧૦૪ માઈલના બદલે હું ૧૦૮ માઈલ દોડી શક્યો હતો.’ તેમણે કહ્યું હતું કે, ‘દોડતી વેળાએ હું શીખ પ્રાર્થનાઓ સાંભળતો હતો અને તે મને લયબદ્ધ રાખતી હતી.’
પૂર્વ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડવિજેતાએ તેમના અત્યાર સુધીના ૧૬૧ મેરેથોનના રેકોર્ડમાં વધુ ૨૦ મેરેથોન સામેલ કરવાની યોજના ઘડી હતી પરંતુ, હવે તે શક્ય લાગતું નથી. હવે મેરેથોન ફરી શરુ થાય ત્યાં સુધી તેમણે ફીટ રહેવું પડશે. જોકે, હરમન્દરસિંહ કહે છે કે તેમના બગીચામાં પહોળા રસ્તાના કારણે આ શક્ય બન્યું છે. તેઓ જૂનવાણી હોવાથી ટ્રેનિંગ કે ગતિ માટે એપનો ઉપયોગ કરતા નથી અને ઘડિયાળના ઉપયોગ સાથે માઈલ માર્કિંગ પર જ નજર રાખે છે.