સિડનીઃ ક્રિકેટમાં લાલ બોલ, સફેદ બોલ, ગુલાબી બોલ પછી હવે ચિપવાળો બોલ આવી રહ્યો છે. ઇન્ટરનેશનલ મેચ માટે બોલ બનાવનાર ઓસ્ટ્રેલિયન કંપની કૂકાબુરાએ બોલની અંદર ચિપ ફિટ કરવાની ટેક્નોલોજી વિકસાવી છે. આ કારણે ફાયદો એ થશે કે બોલિંગ અને બેટિંગ કરનારને રિયલ ટાઇમ ડેટા મળી શકશે.
જ્યારે બોલર બોલ છોડવાની પોઝિશનમાં આવશે ત્યારે ચીપ ડેટા દર્શાવવા માંડશે. બોલરના આર્મ રોટેશનનો એન્ગલ, રોટેશનની ઝડપ, બોલ છોડવાની ઝડપ અને રિલીઝ પોઇન્ટથી જમીનની ઊંચાઈ, બોલ પીચ પર ટપ્પો ખાધા બાદ તેની ઝડપ અને બોલ બેટ્સમેન સુધી પહોંચે ત્યારની તેની ઝડપ વગેરે બધી જ માહિતી ચિપમાં નોંધાઈ જશે અને રિયલ ટાઇમમાં સ્ક્રીન પર દેખાશે. એક વાર આ ચિપ લગાવીને બોલ સીવી દીધા પછી તે બહાર નીકળી શકશે નહીં અથવા તો તેને કોઈ નુકસાન પણ નહીં થાય. આ બોલને કારણે રિયલ ટાઇમના ડેટા એકદમ ચોક્કસ હોવાની પણ શક્યતા છે.