મુંબઇ: ટી-20 વર્લ્ડ કપની સેમિ-ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પરાજય પછી ભારતીય ટીમની સફર સમાપ્ત થઈ ગઈ હતી. આ મેચમાં ટીમના બોલરોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. ભારતીય ખેલાડી એક પણ વિકેટ લઈ શક્યા નહોતા. હવે આ માલે બીસીસીઆઈ કડક પગલાં લેવાની તૈયારીમાં છે.
રિપોર્ટ્સ અનુસાર, કેપ્ટનશીપનો ચહેરો બદલવાની સાથે ટીમમાં બીજા પણ અનેક ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન રોહિત શર્મા છે, પરંતુ હવે ટી-20ની જવાબદારી હાર્દિક પંડ્યાને મળી શકે છે.
બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘રોહિતને મોટી સીરીઝ અને આઈસીસી ટૂર્નામેન્ટ માટે સળંગ રમાડ્યો અને આરામ પણ અપાયો છે, પરંતુ એક કેપ્ટનને અનેક વખત રોટેટ કરી શકાય નહીં. જોકે, ટી-20 ફોકસમાં નહીં હોય, એટલે જ્યારે હાર્દિક જેવો કોઈ પૂર્ણકાલીન કાર્યભાર સંભાળવા તૈયાર છે તો અમારે રોહિત અંગે વિચાર કરવો જોઈએ.’ હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ન્યૂઝીલેન્ડના વિલિયમ્સન જેવા અનુભવી ઈન્ટરનેશનલ કેપ્ટન વિરુદ્ધ મેદાન પર ઉતરશે.