સુરતઃ આઈપીએલની ગુજરાતની ટીમ અને ભારતીય ક્રિકેટ ટીમના મજબૂત ઓલરાઉન્ડર તરીકે જાણીતા થયેલા હાર્દિક પંડયાએ ક્રિકેટની પ્રારંભિક તાલીમ હીરાનગરી સુરતમં લીધી હશે તે બહુ ઓછા લોકો જાણતા હશે. આટલું જ નહીં, પરંતુ હાલમાં એક જાહેરાતમાં જોવા મળે છે તેમ હાર્દિકને એક અંકલ બેટ આપીને ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરે છે તે અંકલ પણ વાસ્તવમાં સુરતના જ છે.
વાત 2005ના અરસાની છે. સુરતમાં રહેતા હિમાંશુ પંડયા તેમના બન્ને દીકરાને ક્રિકેટની તાલીમ આપવા માગતા હતા. સૌથી પહેલાં તેમણે ગોલંદાજના હાથ નીચે તાલીમ શરૂ કરી હતી પણ હિમાંશુભાઈ કોચ વધુ ધ્યાન આપે તેવો આગ્રહ કરતાં હતા. આ દરમિયાન તેમની ઓળખાણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અને સ્પોર્ટ્સ શોપ સાથે સંકળાયેલા સમીર વ્યાસ સાથે થઈ હતી.
જૂની યાદ તાજી કરતા સમીર વ્યાસ કહે છે, સુરત પાલિકાના રાંદેરમાં આવેલા ભાણકી સ્ટેડિયમમાં વર્ષોથી તેમના મિત્રો સાથે મળીને દોડ, ફુટબોલ અને ક્રિકેટનું કોચીંગ વેકેશન દરમ્યાન કરતાં હતા. આ કોચિંગ ક્લાસીસ કિરણ મોરે ઈન્સ્ટીટયુટ સાથે જોડાયેલી હોવાથી તેમણે હિમાશુંભાઈને કૃણાલને કોચીંગ ક્લાસમાં મોકલવા કહ્યું હતું. રાંદેરના ભાણકી સ્ટેડિયમ પર કોચીગ ચાલતું ત્યારે કૃણાલ સિઝન બોલથી જ્યારે હાર્દિક ટેનિસ બોલથી પ્રેક્ટિસ કરતા હતા.
બન્ને ભાઈઓની ક્ષમતા-સજ્જતા જોઈને અહીંથી તેમને વડોદરા સ્થિત કિરણ મોરે એકેડમીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં થોડો સમય રહ્યા બાદ ફરીથી તેઓ સુરત આવ્યા હતા. આઆ પછી 2010 સુધી દર શનિ-રવિ બન્ને ભાઈઓ ભાણકી સ્ટેડિયમમાં જ પ્રેક્ટિસ કરતાં હતા. વડોદરમાં તેમનું કોચીંગ પૂર્વ રણજી પ્લેયર નારણ સાથમ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીંની કઠોર ટ્રેનીંગના કારણે જ બન્ને ભાઈઓ આજે ભારતીય ટીમ માટે આધારભૂત ખેલાડી બની શક્યા છે. અત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી રહેલા પંડયાબંધુ ક્રિકેટનો કક્કો સુરતના ભાણકી સ્ટેડિયમ પર શીખી વડોદરા તાલીમ લીધી હતી એ વાતે તેમની સાથે જોડાયેલા લોકો ગર્વ અનુભવી રહ્યા છે.
ભેટમાં બેટ આપનાર અંકલ સુરતના સમીર વ્યાસ
સુરતના ભાણકી સ્ટેડિયમ પર ક્રિકેટના પાઠ ભણનાર પંડયા બ્રધર્સ સુરતમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા ત્યારે તેમની પાસે પોતાનું ઘર ન હતું. જોકે પિતાના દિલોદિમાગ પર દીકરાઓને ક્રિકેટર બનાવવાનું ઝનૂન બરાબર છવાયેલું હતું. તેમની તાલીમ પાછળ તેઓ બધું જ ખર્ચીને બરોડા ગયા હતા. કેટલાક કારણોસર તેઓ ફરીથી સુરત આવ્યા ત્યારે તેમને રહેવા માટે સમીર વ્યાસે રાંદેરના દરૂ ફળિયામાં ભાડાનું મકાન અપાવ્યું હતું. બન્ને દીકરા ક્રિકેટની પ્રેક્ટિસ કરતાં અને તેના પિતા પાસપોર્ટનું કામ કરતાં હતા. હાર્દિક પંડયાની ઉંમર માત્ર ચાર જ વર્ષની ઉંમર હતી ત્યારે તે ભાણકી સ્ટેડિયમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો અને તે પણ પૂરા ઝનૂનથી રમતો હતો. તેની આસપાસથી બોલ જાય તો તે સીધી ડાઈવ મારી દેતો હતો. આવી રીતે તેના ઘુંટણ અને કોણી ઘણી વાર છોલાયા છે પરંતુ તેનું મક્કમ મનોબળ હતું તેથી તે આગળ વધી શક્યો છે. તેનું ક્રિકેટ કૌવત જોઈને સમીર વ્યાસે તેને એક બેટ ભેટમાં આપ્યું હતું. હાલ ટીવી પર એક જાહેરાત આવે છે તેમાં હાર્દિક પંડયા કહે છે નાનપણમાં તેને એક અંકલે બેટ આપ્યું હતું. આ માત્ર જાહેરખબર નથી, પણ આ વાત સત્ય છે અને તે બેટ સમીર વ્યાસે જ તેને આપ્યું હતું.
હાર્દિકની આકરી મહેનતનું પરિણામઃ માતા નલિનીબહેન
વડોદરાઃ ગુજરાતની ટીમ ચેમ્પિયન બનતા જ હાર્દિક પંડ્યાના પરિવારમાં ખુશીની લહેર વ્યાપી છે. આ વિજય હાર્દિકની આકરી મહેનતનું પરિણામ હોવાનું તેના માતા નલિનીબેન પંડ્યાએ જણાવ્યું હતું. હાર્દિકની આ સફળતાને કઈ રીતે જૂઓ છો? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘ગુજરાતની ટીમ, ગુજરાતી ખેલાડીઓ અને ગરવા ગુજરાતના લીધે વિજયથી વધુ આનંદ છે. હાર્દિકે આકરી મહેનત કરી છે અને ઈજાગ્રસ્ત થયા બાદ ફિટનેસ બાબતે તે વધુ સજાગ થયો અને બોલિંગ બાબતે પણ ઘણું ધ્યાન આપ્યું. વિવિધ રીતે ટીમને જોડવાનું કામ કર્યું હતું. જેના કારણે ટીમનું બોન્ડિંગ ખૂબ સારું રહ્યું હતું. હાર્દિક આઈપીએલનો અનુભવી ખેલાડી છે પણ આ લીગમાં ટીમમાં વિવિધ દેશોના અને વિવિધ રાજ્યોના ખેલાડીઓને સાથે રાખીને મેચમાં સતત સારું પ્રદર્શન કરવું તે એક મોટો પડકાર હોય છે, પરંતુ હાર્દિકે પડકારને સરળ બનાવી સતત જીત મેળવી હતી.’