મુંબઇઃ ટીમ ઇંડિયાનો તેજતર્રાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાનમાં ભલે દેખાતો ન હોય, પરંતુ સમાચારોમાં જરૂર છે. હાર્દિક તેની રમતના બદલે મૂલ્યવાન રિસ્ટ વોચના કારણે અખબારોમાં ચમકી રહ્યો છે. સહુ કોઇ જાણે છે કે હાર્દિક પંડયાને અતિ કિંમતી ઘડિયાળોનો ઘણો શોખ છે અને આ બાબતને તે ભૂતકાળમાં ઘણી વખત જાહેર પણ કરી ચૂક્યો છે. હાર્દિક પાસે ઘણી મૂલ્યવાન ઘડિયાળોનું કલેક્શન છે અને તાજેતરમાં તેણે વધુ એક ઘડિયાળ
ખરીદી છે, જેની કિંમત પાંચ કરોડ રૂપિયા કરતાં વધારે છે.
હાર્દિક પંડયા હાલમાં આઇપીએલ પાર્ટ-૨ની તૈયારી માટે તેના ક્રિકેટ ભાઇ કૃણાલ સાથે દુબઇ પહોંચ્યો છે અને પ્રેક્ટિસ સેશન શરૂ કરી છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયામાં આ મૂલ્યવાન ઘડિયાળની તસવીર પોસ્ટ કરી હતી. તેણે આ ઘડિયાળ પાંચ કરોડ રૂપિયા કરતાં વધારે કિંમતથી ખરીદી છે. આ ઘડિયાળનું મોડેલ પાતેક ફિલિપ નોટુલસ પ્લેટિનમ ૫૭૧૧ છે. હાર્દિકને મોંઘી ઘડિયાળોની સાથે લક્ઝુરિયસ કારનો પણ ઘણો શોખ છે. નોંધનીય છે કે હાર્દિક અને કૃણાલ પંડયા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે પરંતુ તેમની કપરી મહેનતે તેમને આટલી ઊંચાઇએ પહોંચાડયા છે. હાર્દિક પંડયાની જેમ તેના ભાઇ કૃણાલને પણ મોંઘી ઘડિયાળોનો શોખ છે. બંને ભાઇઓએ તાજેતરમાં જ મુંબઇ ખાતે ૩૦ કરોડ રૂપિયાનો આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટમાં આઠ બેડરૂમ છે અને કુલ ૩૮૩૮ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે.
હાર્દિક પંડયાની પાંચ અન્ય અતિ મૂલ્યવાન ખરીદીની વાત કરીએ તો, (૧) પાતેક ફિલિપ નોટુલસ - રૂ. ૧.૬૫ કરોડ (૨) લેર્મ્બોગિની હુરાકેન ઇવો - રૂ. ૩.૯૩ કરોડ (૩) મર્સિડીઝ - રૂ. ૩ કરોડ (૪) રેન્જ રોવર વોગ - રૂ. ૩ કરોડ અને (૫) રોલેક્સ ઓયસ્ટર ડાયટોના કોસ્મોગ્રાફ - રૂ. ૧ કરોડ.