પલ્લીકલઃ વડોદરાનો તેજતર્રાર યુવા ખેલાડી હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટમાં છવાઇ ગયો હતો. તેણે મેચના બીજા દિવસે ૧૦૮ રનની તોફાની ઇનિંગ રમી હતી. આઠમા નંબરે રમવા આવેલા પંડ્યાએ ૯૬ બોલમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તે દરમિયાન તેણે મલિંડા પુષ્પકુમારની એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટની એક ઓવરમાં કોઈ ભારતીય બેટ્સમેને ફટકારેલા આ સૌથી વધારે રન છે.
પંડ્યાએ તેની ધમાકેદાર બેટિંગ દ્વારા કપિલ અને પાટિલ (બંને ૨૪-૨૪ રન)ને પાછળ છોડ્યા છે. વર્લ્ડ ક્રિકેટમાં માત્ર ત્રણ બેટ્સમેન બ્રાયન લારા (૨૮), જ્યોર્જ બેલી (૨૮) અને શાહિદી આફ્રીદી (૨૭)એ જ એક ઓવરમાં પંડ્યાથી વધુ રન કર્યા છે.
૮૫ વર્ષમાં પહેલી વાર...
પંડ્યાએ મેચના બીજા દિવસે લંચ સુધીમાં પોતાની ઇનિંગમાં ૧૦૮ રન કરતા તે લંચ પહેલા ૧૦૦ રન બનાવનાર ભારતનો પહેલો બેટ્સમેન બન્યો છે. આ પંડ્યાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહેલી સદી છે. તે પાંચમો એવો ભારતીય બેટ્સમેન છે, જેણે પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ સદી પહેલી ટેસ્ટમાં મેચમાં બનાવી છે.
વીરુ-ભજ્જીની બરોબરી
હાર્દિકે પોતાની ઇનિંગમાં સાત સિક્સર ફટકારી હતી. ભારત તરફથી એક જ ટેસ્ટ ઇનિંગમાં હાર્દિક કરતાં વધારે સિક્સર ફટકારવાનો વિક્રમ નવજોતસિંહ સિદ્ધુના નામે છે. સિદ્ધુએ શ્રીલંકા સામે ૧૯૯૩-૯૪માં આઠ સિક્સર ફટકારી હતી. સેહવાગ તથા હરભજનના નામે એક ઇનિંગ્સમાં ૭-૭ સિક્સર નોંધાયેલી છે.
વિદેશમાં બીજી ફાસ્ટેસ્ટ સદી
હાર્દિકે માત્ર ૮૬ બોલમાં સદી પૂરી કરી હતી. વિદેશમાં ભારત તરફથી ફાસ્ટેસ્ટ સદી સેહવાગે ફટકારી છે. તેણે ૨૦૦૬માં વેસ્ટ ઇન્ડિઝ સામે ગ્રોસ આઇલેટ ખાતે ૭૮ બોલમાં સદી નોંધાવી હતી. બીજા ૫૦ રન પૂરા કરવા માટે તો પંડ્યા માત્ર ૨૫ બોલ રમ્યો હતો.