હાર્દિકના સબળ નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સની આગેકૂચ

Thursday 19th May 2022 05:49 EDT
 
 

મુંબઈ: હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ સિઝનમાં જ કમાલનું પ્રદર્શન જારી રાખીને આઇપીએલની વધુ એક લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને સાત વિકટે હરાવી ટોપ-2માં સ્થાન નિશ્ચિત કર્યું છે. ગુજરાતની ટીમે 13 મેચમાં 10મો વિજય હાંસલ કરવાની સાથે ક્વોલિફાયર-1માં સ્થાન મેળવ્યું હતું.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ચેન્નઈની ટીમે ઓપનર ઋતુરાજ ગાયકવાડના 53 રનની મદદથી પાંચ વિકેટ 133 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં મેન ઓફ ધ મેચ રિદ્ધિમાન સાહાએ 57 બોલમાં અણનમ 67 રનની મદદથી ગુજરાત ટીમને પાંચ બોલ બાકી રાખીને ત્રણ વિકેટે 137 રન કરી વિજય હાંસલ કર્યો હતો. ચેન્નઈની ઇનિંગમાં નારાયણ જગદીશને અણનમ 39 રન કર્યા હતા. સમીએ 19રનમાં 2 વિકેટ ઝડપી હતી.
ચેન્નઇ ટૂર્નામેન્ટમાંથી આઉટ
આઇપીએલમાં એક વખત દિગ્ગજ ટીમ ગણાતી ચેન્નઇ સુપરકિંગ્સ વધુ એક પરાજય સાથે ટૂર્નામેન્ટમાંથી આઉટ થઇ ગઇ છે. 12 મેના રોજ રમાયેલી લો સ્કોરિંગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ચેન્નાઈની ટીમ 16 ઓવરમાં 97 રનમાં જ ઓલઆઉટ થઈ ગઇ હતી. જેમાં કેપ્ટન ધોનીના સૌથી વધુ અણનમ 36 રન હતા. મુંબઈ માટે ડેનિયલ સેમ્સે 3 વિકેટ ઝડપી હતી. હરીફ ટીમનો આટલો નીચો સ્કોર છતાં રનચેઝ કરતા મુંબઈ ટીમને ફાંફા પડી ગયા હતા અને 33 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. તિલક વર્મા અને હૃતિક શોખીને પાંચમી વિકેટ માટે ૪૮ રનની ભાગીદારી કરી ટીમની સ્થિતિ સંભાળતા મુંબઈએ 14.5 ઓવરમાં 5 વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તિલક 34 રને અણનમ રહ્યો. મુંબઈની જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાંથી બહાર થનાર બીજી ટીમ બની. હવે ચેન્નાઈ બાકીની મેચો જીતે તો પણ તેના ૧૨ પોઈન્ટ જ થશે. જ્યારે ૪ ટીમના અગાઉ જ ૧૪ પોઈન્ટ છે.
કોલકાતાનો પેટ કમિન્સ ઈજાગ્રસ્ત
કોલકાતા નાઇટ રાઇડર્સનો પેસ બોલર પેટ કમિન્સ આઇપીએલની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. થાપાની ઈજાની સારવાર માટે તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયન ટેસ્ટ સુકાની કમિન્સન નેશનલ ટીમના આગામી મહિનાના શ્રીલંકાના પ્રવાસ પહેલાં સંપૂર્ણ ફિટનેસ હાંસલ કરવા માટે સિડની પરત ફર્યો છે. કમિન્સે ચાલુ વર્ષે થયેલી હરાજીમાં કોલકાતાની ટીમે 7.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે કમિન્સને સંપૂર્ણ ફિટ થવા માટે લગભગ 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા ઉપરાંત તે ઓસ્ટ્રેલિયાની વન-ડે અને ટ્વેન્ટી20 ટીમનો પણ મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. કમિન્સે વર્તમાન આઇપીએલ સિઝનમાં માત્ર પાંચ મેચ રમી છે અને તેણે સાત વિકેટ ઝડપવા ઉપરાંત 63 રન બનાવ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સ સામે તેણે 14 બોલમાં નોંધાવેલા અણનમ 56 રન તેનું બેસ્ટ પ્રદર્શન રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter