બેંગલૂરુઃ ઈરાનમાં મહિલાઓ માટે હિઝાબ પહેરવાનો નિયમ ફરજીયાત બનતા ભારતીય શૂટર હિના સિદ્ધુએ આગામી ડિસેમ્બરમાં ઇરાનના તહેરાનમાં યોજાનાર એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. હિનાએ કહ્યું હતું કે, ટૂરિસ્ટ અથવા વિદેશી મહેમાનોને હિઝાબ પહેરવા માટે મજબૂર કરવા તે રમત ભાવનાથી વિરુદ્ધ છે. મને આ મંજૂર ન હોવાથી મેં ચેમ્પિયનશિપમાંથી મારું નામ પરત ખેંચી લીધું છે. હિનાએ આને વ્યક્તિગત પસંદ હોવાનું જણાવ્યું છે. હિના સિદ્ધુએ કહ્યું કે, તમે તમારા ધર્મનું પાલન કરો મને મારો ધર્મ માનવા દો. જો તમે તમારી ધાર્મિક માન્યતાઓને મને માનવા માટે મજબૂર કરશો તો હું આ સ્પર્ધામાં ભાગ નહીં લઉં.
આગામી ત્રણથી નવ ડિસેમ્બર વચ્ચે યોજાનારી આ સ્પર્ધાના આયોજકોએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર સ્પષ્ટ લખ્યું છે કે, શુટિંગ રેન્જ અને સાર્વજનિક સ્થળો પર મહિલાઓનાં કપડાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના નિયમ કાયદા મુજબ હોવા જોઈએ.