ધર્મશાલાઃ ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ નોંધાવનાર ચેતેશ્વર પુજારાએ તેની આવી અસાધારણ ધીરજનું રહસ્ય છતું કરતાં કહ્યું હતું કે તે ખૂબ જ નાની વયથી આ જ શૈલીથી રમતો રહ્યો છે. તેણે કહ્યું હતું કે ૧૩ વર્ષની વયથી સૌરાષ્ટ્ર માટે સ્પર્ધાત્મક ક્રિકેટ રમી રહ્યો છે અને આટલા વર્ષોથી તેની બેટિંગનું સ્વરૂપ જ મક્કમ તેમજ અડીખમ અભેદ્ય રમત રમવાનું રહ્યું છે.
પૂજારાનું કહેવું છે કે તે આ પ્રકારની બેટિંગ ટીમને પરાજયથી ઉગારવા કે જીત અપાવવા માટે કરતો હોય છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં પણ તેણે આટલા બધા બોલ રમીને બેવડી સદી ફટકારી તેનું એક માત્ર કારણ એ હતું કે ઓસ્ટ્રેલિયા ૪૫૧ રનના સ્કોરને કોઇ પણ હિસાબે પાર કરવો હતો.
પૂજારાએ કહ્યું કે તે કેટલાક અરસાથી લાંબા સમય માટે ક્રીઝ પર ટકી જાય છે ત્યાર બાદ એક પ્રકારે ધ્યાન લાગી ગયું હોય તેવી એકાગ્રતા ધારણ કરી લે છે. તે મોટા ભાગે શૂન્ય મનસ્ક સ્થિતિમાં હોઇ હરિફ ટીમની બોલિંગ, વર્તન કે બહાર શું બની રહ્યું છે તેનાથી સદંતર બેધ્યાન થઇ જાય છે. આમ જાણે તે 'ઝેન' અવસ્થા પ્રાપ્ત કરી લે છે. ચેતેશ્વર કહે છે કે તે નિયમિત શારિરીક વર્કઆઉટ કરે છે, મસાજ કરાવે છે તેમજ ડાયેટની તકેદારી રાખે છે. નિયમિત પૂરતી ઊંઘ પણ તેણે ખાસ ભાર મૂક્યો હતો.