મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ ૨૦૨૧ સુધી વધારવામાં આવ્યો છે, જેની સાથે તેની સેલરી પણ વધી જશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર શાસ્ત્રીની વર્તમાન સેલરી લગભગ ૧૦ કરોડ રૂપિયા સુધીની થઈ શકે છે. શાસ્ત્રીની સેલરીમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયા તેવી સંભાવના છે જેના કારણે તેની સેલરી ૯.૫થી લઈને ૧૦ કરોડ રૂપિયા પહોંચી શકે છે.
બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ અનુસાર કોચ શાસ્ત્રીને અત્યાર સુધી આઠ કરોડ રૂપિયા વાર્ષિક મળતા હતા. સહાયક સ્ટાફની સેલેરીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બોલિંગ કોચ ભરત અરૂણે પોતાનું પદ જાળવી રાખ્યું છે અને હવે તેમને લગભગ ૩.૫ કરોડ રૂપિયાની વાર્ષિક સેલરી આપવામાં આવશે. આટલી જ સેલરી ફિલ્ડિંગ કોચ શ્રીધરને મળશે. ટીમના નવા બેટિંગ કોચ વિક્રમ રાઠોરની સેલરી ૨.૫ કરોડથી ૩ કરોડ રૂપિયાની વચ્ચે રહેશે. કોન્ટ્રાક્ટ પહેલી સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યો છે. રસપ્રદ બાબત એ છેકે શાસ્ત્રીને હવે ટીમના સુકાની વિરાટ કોહલી કરતાં પણ વધારે સેલરી મળશે. કોહલીને બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ અનુસાર કરાર વાર્ષિક સાત કરોડ રૂપિયા મળે છે.