હેમિલ્ટનઃ ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડની ધરતી યજમાન દેશને હરાવીને વિજયપતાકા લહેરાવનાર ટીમ ઇંડિયા હેમિલ્ટન પહોંચીને પાણીમાં બેસી ગઇ હોય તેમ અત્યાર સુધીનો સૌથી મોટા પરાજય પોતાના નામે કર્યો છે. ન્યૂ ઝીલેન્ડ સામેની ચોથી વન-ડેમાં ભારતીય ટીમે ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને કોલિન ડી ગ્રાન્ડહોમની ઘાતક બોલિંગ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા અને વન-ડેમાં બોલ બાકી રહેવાની દૃષ્ટિએ સૌથી મોટા પરાજયનો સામનો કર્યો હતો.
૩૧ જાન્યુઆરીએ રમાયેલી ચોથી વન-ડેમાં પ્રથમ બેટિંગ માટે ઊતરેલી ભારતીય ટીમ ૩૦.૫ ઓવરમાં માત્ર ૯૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ન્યૂ ઝીલેન્ડે બે વિકેટ ગુમાવીને ૧૪.૪ ઓવરમાં વિજય હાંસલ કર્યો હતો. આમ, ન્યૂ ઝીલેન્ડે ૨૧૨ બોલ બાકી રહેતાં જીત મેળવી હતી જે બોલની દૃષ્ટિએ ભારતની સૌથી મોટી હાર છે.
આ પહેલાં ઓગસ્ટ ૨૦૧૦માં દામ્બુલામાં ભારતને શ્રીલંકાએ ૨૦૯ બોલ બાકી રહેતાં પરાજય આપ્યો હતો. મેન ઓફ ધ મેચ ટ્રેન્ટ બોલ્ટે ૧૦ ઓવરમાં ૨૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે કોલિન ડી ગ્રાન્ડહોમે ત્રણ વિકેટ મેળવી હતી.
ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી જે રિધમમાં રમી રહી હતી તેને જોઈ કોઈ વિચારી પણ શકે તેમ નહોતું કે, ભારતીય ટીમ સામે ન્યૂ ઝીલેન્ડ આટલી મોટી જીત મેળવશે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો જ્યારે ધોની પગના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે ટીમમાં સામેલ નથી.