હૈદરાબાદઃ ભુવનેશ્વરના નેતૃત્વમાં બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે શિખર ધવનના અણનમ ૪૭ રનની મદદથી લીગ મેચમાં ગુજરાત લાયન્સને એક ઓવર બાકી રાખીને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. છઠ્ઠી મેના રોજ અહીં રમાયેલી મેચમાં લાયન્સના છ વિકેટે ૧૨૬ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર હૈદરાબાદે પાંચ વિકેટે ૧૨૯ રન કર્યા હતા.
લાયન્સની ટીમે માત્ર ૩૪ રનમાં કેપ્ટન રૈના (૨૦), મેક્કુલમ (૭) સહિત ટોચના ચાર બેટ્સમેન ગુમાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિન્ચે ૪૨ બોલમાં અણનમ ૫૧ રન બનાવ્યા હતા.
ગુજરાત લાયન્સના બેટિંગ દરમિયાન સનરાઇઝર્સના ઓપનિંગ બોલર્સે પ્રથમ બે ઓવર મેઇડન નાંખી હતી. જે આઈપીએલના ઇતિહાસનો પ્રથમ બનાવ છે. વર્તમાન આઇપીએલમાં સનરાઇઝર્સની ટીમે સૌથી વધુ ૪ મેઇડન ઓવર કરી છે. જેમાં ભુવનેશ્વરે બે, નેહરા તથા મુસ્તફિઝુરે એક-એક ઓવર કરી છે. લાયન્સે ખાતું ખોલવા માટે સર્વાધિક ૧૪ બોલનો સમય લીધો હતો. અગાઉ ૨૦૧૧માં ચેન્નાઈએ પંજાબ સામે ખાતું ખોલવા માટે ૧૦ બોલ રમ્યા હતા.