ગંટુર (આંધ્ર પ્રદેશ)ઃ ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ મેચમાં કોઈ ટીમ ફક્ત બે રનમાં આઉટ થઈ ગઈ હોય તેવી ઘટના ક્યારેય બની નથી, પરંતુ ૨૪ નવેમ્બરે નાગાલેન્ડ અને કેરળની અંડર-૧૯ મહિલા ક્રિકેટ મેચમાં આ નાલેશીજનક વિક્રમ નોંધાયો છે. નાગાલેન્ડની ટીમ ફક્ત બે જ રનમાં આઉટ થઈ ગઈ હતી.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની વિમેન્સ અંડર-૧૯ વન-ડે ક્રિકેટ લીગ અને નોકઆઉટ ટૂર્નામેન્ટમાં ગંટુરમાં કેરળ સામે રમાયેલી મેચમાં નાગાલેન્ડની ટીમ ૧૭ ઓવરમાં ફક્ત બે જ રનમાં આઉટ થઈ ગઈ હતી. ટીમની નવ ખેલાડી ખાતું પણ ખોલાવી શકી ન હતી. જ્યારે એક રન વાઈડનો હતો. ટીમ માટે ઓપનર રીમાર્કાબ્લી મેનકાએ ૧૮ બોલમાં એક રન નોંધાવ્યો હતો. કેરળે ફક્ત એક બોલમાં જ લક્ષ્યાંક પાર પાડીને મેચ જીતી લીધી હતી.
૧૭ ઓવરમાં ઓલ-આઉટ
એક સમયે નાગાલેન્ડનો સ્કોર છ ઓવરમાં વિના વિકેટે બે રન હતો, પરંતુ ત્યારબાદ ૧૧.૪ ઓવરમાં તે ઓલ-આઉટ થઈ ગયું હતું. કેરળ માટે પાંચ બોલર્સે બોલિંગ કરી હતી, જેમાંથી ચાર બોલરે એક પણ રન આપ્યો ન હતો. એકમાત્ર એલીના સુરેન્દ્રને પોતાની ઓવરમાં બે રન આપ્યા હતા. તે એકમાત્ર એવી બોલર હતી, જે વિકેટ લઈ શકી ન હતી. તેણે ત્રણ ઓવરમાં બે મેડન સાથે બે રન આપ્યા હતા. મિન્નુ મણીએ ચાર વિકેટ ઝડપી હતી. તેણે ૧૧મી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં એક પણ રન આપ્યા વગર ચાર વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત બિબી સેબાસ્ટિન અને સાંન્દ્રા સુરેને એક-એક વિકેટ ઝડપી હતી.
એક જ બોલમાં લક્ષ્યાંક પાર
કેરળ સામે ત્રણ રનનો લક્ષ્યાંક હતો. નાગાલેન્ડની દીપિકા કેઈનતુરાએ પ્રથમ બોલ વાઈડ કર્યો હતો અને ત્યાર પછીના બોલ પર અંશુ રાજુએ બાઉન્ડ્રી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. કેરળના કોચ સુમન શર્માએ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ એક યાદગાર વિજય છે. જોકે, આ વિજય છતાં કેરળની ટીમ અંતિમ-ફોર રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.
૯૪ વાઈડ બોલ
વર્તમાન સિઝનમાં નોર્થ-ઈસ્ટ ચેમ્પિયનશિપ અંડર-૧૯ ટૂર્નામેન્ટમાં નાગાલેન્ડની ટીમે મણિપુર સામે રમાયેલી એક મેચમાં ૪૨ વાઈડ બોલ કર્યા હતા. જોકે, મણિપુરે આ મેચમાં વાઈડ બોલ કરવામાં નાગાલેન્ડને પણ પાછળ રાખી દીધું હતું અને તેણે કુલ ૯૪ વાઈડ બોલ કર્યા હતા.