નાગપુરઃ કેપ્ટન વિરાટ કોહલીની (૨૧૩) પાંચમી બેવડી સદી અને રોહિત શર્માએ (અણનમ ૧૦૨) ચાર વર્ષ બાદ નોંધાવેલી સદીની મદદથી ભારતે શ્રીલંકા સામે સ્થિતિ અત્યંત મજબૂત કરી હતી. ભારતે પ્રથમ દાવ છ વિકેટે ૬૧૦ રનના સ્કોરે ડિકલેર કર્યો હતો. પ્રથમ ઇનિંગ્સના આધારે ભારતે ૪૦૫ રનની જંગી લીડ મેળવી હતી. કોહલીએ ચાલુ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦ સદી ફટકારી છે અને એક કેપ્ટન તરીકે એક જ વર્ષમાં તે સર્વાધિક સદી નોંધાવનાર બેટ્સમેન છે.
છેલ્લા કેટલાક સમયથી સાતત્યપૂર્ણ ફોર્મમાં રહેલા કોહલીએ કારકિર્દીનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર તથા પાંચમી બેવડી સદી ફટકારી છે. તેણે ૨૬૭ બોલનો સામનો કરીને ૧૭ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૨૧૩ રનની ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ રોહિત શર્માની ત્રીજી ટેસ્ટ સદી નોંધાઈ છે જે લગભગ ચાર વર્ષ બાદ બની છે.