બુડાપેસ્ટ: ભારતવંશી અમેરિકી ચેસ ખેલાડી અભિમન્યુ મિશ્રાએ ફક્ત ૧૨ વર્ષની વયે ઈતિહાસ રચ્યો છે. ન્યૂ જર્સીમાં રહેતો અભિમન્યુ માત્ર ૧૨ વર્ષ ૪ મહિના અને ૨૫ દિવસની વયે દુનિયાનો સૌથી નાની વયનો ગ્રાન્ડ માસ્ટર બની ગયો છે. તેણે બુડાપેસ્ટમાં ૩૦ જૂને આયોજિત ગ્રાન્ડમાસ્ટર ટૂર્નામેન્ટમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ગોવાના ૧૪ વર્ષીય લિયોન મેન્ડોન્કાને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ ટૂર્નામેન્ટ જીતવા સાથે અભિમન્યુએ ૧૯ વર્ષ જૂનો યુક્રેનના સર્ગે કર્ઝાકિનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જેણે ૧૨ વર્ષ ૭ મહિનાની વયે આ સિદ્ધિ મેળવી હતી. અભિમન્યુના પિતા ડેટા એનાલિસ્ટ હેમંત મિશ્રા દીકરાની ગ્રાન્ડમાસ્ટર બનવાની સિદ્ધિથી ખુશખુશાલ છે.
પુત્રના લક્ષણ પારણામાંથી...
પુત્રની આ સિદ્ધિથી ગૌરવાન્વિત હેમંત મિશ્રા કહે છે કે અભિમન્યુ અઢી વર્ષનો હતો અને સારી રીતે બોલી પણ શકતો નહોતો ત્યારે હું તેને કિસ્સા-કહાણીઓની મદદથી ચેસનાં મોહરાં વિશે જણાવતો હતો. તે ખૂબ જ ધ્યાનપૂર્વક દરેક મોહરા અને એની ચાલની નોંધ લેતો હતો. હું સમજી ગયો કે તેને આ રમત પસંદ છે. આ પછી હું જ્યારે પણ તેને લઈને બેસું તો તે ચેસનું બોર્ડ મારી પાસે લઈને આવી જતો હતો. તે પાંચનો વર્ષનો થયો ત્યારે તેણે મને પહેલી વાર હરાવ્યો હતો. મેં તેને ફરી ચેલેન્જ કર્યો તો તેણે ફરી મને હરાવી દીધો. હું સમજી ગયો કે ચેસનો આ જુસ્સો તેને એક દિવસ સફળતાના શિખર સુધી પહોંચાડશે.
૧૨ વર્ષનો અભિમન્યુ મિશ્રા
નાની વયે બુલંદ આત્મવિશ્વાસ
હેમંત મિશ્રા કહે છે કે ચેસની રમત માટેનો લગાવ અને તેનું જ્ઞાન જોઇને એક વખત મેં તેને કહ્યું હતું કે ટૂર્નામેન્ટમાં રમીશ? તો તેણે કહ્યું, જીતીશ પણ. ન્યૂ જર્સીમાં એક ટૂર્નામેન્ટ દરમિયાન તેણે તેની વયથી પાંચ ગણા મોટા લોકોને પડકાર્યા એટલું જ નહીં, તેમને હરાવ્યા પણ ખરા. એક હરીફે તો અભિમન્યુને બાળક સમજીને પોતાની એક ચાલ એક કલાક ન ચાલી, જેથી તે થાકીને કોમ્પિટિશન છોડી દે અને પોતે વિજેતા જાહેર થઈ જાય. જોકે અભિમન્યુએ ગેમ ન છોડી અને તે વિજેતા બન્યો. એના પછી અભિમન્યુએ ક્યારેય કોઈ ટૂર્નામેન્ટમાં પાછળ ફરીને જોયું જ નહીં.
વિરોધીને ચક્રવ્યૂહમાં ફસાવે છે
ચેસની રમતના નિષ્ણાતોથી માંડીને તેના પ્રતિસ્પર્ધીઓનું કહેવું છે કે અભિમન્યુ ભલે નાનકડો હોય, પરંતુ તેની રમતની વિશેષતા એ છે કે એ તેની રણનીતિ જાતે બનાવે છે અને વિરોધીઓને પોતાના ચક્રવ્યૂહમાં ફસાવી ભૂલ કરવા મજબૂર કરી દે છે.
ગેરી કાસ્પારોવ મેન્ટર બનવા તૈયાર
મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ એ હતો જ્યારે વિશ્વવિજેતા ગેરી કાસ્પારોવે પોતાના ફાઉન્ડેશન માટે ૯ વર્ષની વયે અભિમન્યુની રમત જોઈ તેના મેન્ટર બનવાનો નિર્ણય કર્યો. ૨૦૧૮માં જ્યારે કાસ્પારોવે તેની રમતનું વિશ્લેષણ કર્યું તો મને પણ તેની રમતના સાક્ષી બનવા માટે હોલમાં ખાસ બોલાવ્યો હતો. હું ખુશનસીબ છું કે દીકરાને મારી નજર સામે ગ્રાન્ડમાસ્ટર બનતા જોયો. હેમંત મિશ્રા કહે છે કે આ તો હજુ તેની શરૂઆત છે... અને તેની અનેક ચાલ હજુ બાકી છે.