પેરિસઃ વિશ્વના પ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસને પાંચ સેટ સુધી રમાયેલા ફાઇનલ મુકાબલામાં ૬-૭, ૨-૬, ૬-૩, ૬-૨, ૬-૪થી હરાવીને કારકિર્દીમાં બીજી વખત ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. આ સાથે તેણે કારકિર્દીમાં ૧૯મો ગ્રાન્ડસ્લેમ પણ જીત્યો હતો.
ખરેખર તો જોકોવિચ ચેમ્પિયન બન્યો તેની પાછળ એક ૧૨ વર્ષીય સમર્થકનું મોટું યોગદાન રહ્યું છે. ચેમ્પિયન બન્યા બાદ જોકોવિચે પોતાના આ સમર્થકને વિનિંગ શોટ માર્યો હતો તે રેકેટ ગિફ્ટમાં આપીને તે સમર્થકનું જ નહીં, તમામ ટેનિસપ્રેમીઓના દિલ જીતી લીધા હતા. સોશિયલ મીડિયા ઉપર જોકોવિચની આ ઉદારતાની ભરપૂર પ્રશંસા થવાની સાથે યુવા સમર્થકની પ્રતિક્રિયાને પણ ઘણી પસંદ કરવામાં આવી છે.
‘મારા કાનમાં તેનો અવાજ ગુંજતો હતો’
ચેમ્પિયન બન્યા બાદ જોકોવિચે જણાવ્યું હતું કે ૧૨ વર્ષીય સમર્થક પૂરી મેચ દરમિયાન સતત મારી તરફેણમાં રહ્યો હતો. તેણે મને સિત્સિપાસને કેવી રીતે હરાવવો તેની સાચી રણનીતિ બતાવી હતી. જોકોવિચે બે સેટ ગુમાવ્યા બાદ વળતો પ્રહાર કરીને ફાઇનલ જીતી હતી. જોકોવિચે ઉમેર્યું હતું કે પૂરી મેચ દરમિયાન આ નાના સમર્થકનો અવાજ સતત મારા કાનમાં ગુંજતો હતો. તે સતત મારો ઉત્સાહ વધારી રહ્યો હતો અને ખરેખર તો તે સિત્સિપાસને હરાવવા માટે મને રણનીતિ બતાવી રહ્યો હતો.
સિત્સિપાસને બેકહેન્ડ રમાડવાનું કોચિંગ
સર્બિયન ખેલાડીએ જણાવ્યું હતું કે પૂરી મેચ દરમિયાન આ નાનો સમર્થક મને મારી સર્વિસ બચાવવા, સિત્સિપાસને સતત બેકહેન્ડ ઉપર રમાડવા માટે પ્રોત્સાહન આપતો હતો. તે મને સતત કોચિંગ આપી રહ્યો હતો. મને આ નાનો ફેન ઘણો પસંદ અને સારો લાગ્યો હતો. આ કારણથી જ મેચ બાદ રેકેટ આપવા માટે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ તે જ છે તેવું મને લાગ્યું હતું. મને સતત પ્રોત્સાહિત કરવા તથા સમર્થન આપવા તેના પ્રત્યે મેં રેકેટ આપીને આભાર માન્યો છે.
પાંચ મિનિટ પહેલાં સિત્સિપાસની દાદીનું નિધન થયું હતું
ગ્રીસના સ્ટેફાનો સિત્સિપાસ ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવાથી વંચિત રહ્યો હતો. મેચ બાદ તેણે ખુલાસો કર્યો હતો કે ટાઇટલ મુકાબલો શરૂ થાય તેની પાંચ મિનિટ પહેલાં જ મારી દાદીનું નિધન થયાની મને ખબર પડી હતી. મેં ઇન્ટાગ્રામ ઉપર પોસ્ટ લખીને મારા દાદીને શ્રદ્ધાંજલિ આપી હતી. સિત્સિપાસે પોતાની પ્રથમ ફ્રેન્ચ ઓપન ફાઇનલ તેની દાદીને સર્મિપત કરી હતી.