અમદાવાદઃ મુંબઈ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ભારત સામે એક ઇનિંગ્સ અને ૩૬ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ૧૩૯ વર્ષના ઇતિહાસમાં કોઈ ટીમ પ્રથમ બેટિંગ કરીને ૪૦૦ કે તેથી વધુ રન બનાવ્યા હોવા છતાં ઇનિંગ્સથી હારી હોય તેવો આ માત્ર ત્રીજો બનાવ છે. કોઈ ટીમે પ્રથમ બેટિંગ કરીને ૪૦૦ કે તેથી વધુ રન બનાવ્યા હોવા છતાં ઇનિંગ્સથી હારી હોય તેવો આ ત્રીજો પ્રસંગ છે.
ઇંગ્લિશ ટીમે બે વખત પરાજય તથા એક વખત વિજય હાંસલ કર્યો છે. ઇંગ્લેન્ડને ૧૯૩૦માં ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ઇનિંગ્સ તથા ૩૯ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૪૦૫ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ૬૯૫ રન કર્યા હતા. ઇંગ્લેન્ડનો બીજો દાવ ૨૫૧માં સમેટાઈ ગયો હતો.
શ્રીલંકાને કાર્ડિફમાં હરાવ્યું હતું
ઇંગ્લેન્ડે ૨૦૧૧ના મે મહિનામાં કાર્ડિફ ટેસ્ટમાં શ્રીલંકાને એક ઇનિંગ્સ અને ૧૪ રનથી હરાવ્યું હતું. શ્રીલંકાએ પ્રથમ દાવમાં ૪૦૦ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે ૪૯૬ રન બનાવ્યા હતા અને ૯૬ રનની લીડ મેળવી હતી. ગ્રીમ સ્વાન તથા ક્રિસ ટ્રેમ્લેટની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાનો બીજો દાવ માત્ર ૮૨ રનમાં સમેટાઈ ગયો હતો.