નવી દિલ્હી, લોસ એન્જલસઃ ભારતના ૧૪ વર્ષના ગોલ્ફર રણવીર સિંહ સૈનીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં જીએફ ગોલ્ફ લેવલ-૨ ઓલ્ટરનેટ શોટ ટીમ પ્લેમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલી આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર સૈની પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
રણવીર સિંહ અને તેની પાર્ટનર મોનિકા ઝાઝૂને નવ શોટના દમ પર હોંગકોંગના સુ લિયુંગ ચૂંગ અને કા કિટ લામની જોડી તેમ જ નિપ્પોનની તાકેફુમી હિયોશી-તાડોતોશી સાકાઈની જોડીને પાછળ રાખીને સફળતા મેળવી હતી. ઇવેન્ટમાં કુલ ૨૧ દેશોએ ભાગ લીધો હતો.
રણવીર સિંહે બે વર્ષ પહેલાં એશિયા પેસિફિક વર્લ્ડ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. તેની આ સફળતા લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાઈ હતી.
રણવીર સિંહે આટલી નાની ઉંમરમાં પોતાની કાબેલિયતના દમ પર વિશ્વ અને ગોલ્ફની દુનિયામાં ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે. માત્ર નવ વર્ષની ઉંમરે ગોલ્ફ રમવાની શરૂઆત કરનાર રણવીર સિંહ બે વર્ષથી પણ નાની ઉંમરથી ન્યૂરોલોઝિકલ બીમારી ઓટિઝ્મથી પીડાય છે તેમ છતાં તેણે પોતાનું લક્ષ્ય મેળવવામાં સફળતા મેળવી હતી.