નવી દિલ્હીઃ ભારતીય યુવા શુટર સૌરભ ચૌધરીએ શૂટિંગ વર્લ્ડ કપમાં રવિવારે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ૧૬ વર્ષના સૌરભે ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ૨૪૫નો સ્કોર કર્યો અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ તેણે ગયા વર્ષે વર્લ્ડ કપમાં યુક્રેનના ઓલેહે (૨૪૩.૬) બનાવેલાં રેકોર્ડને પણ તોડ્યો છે. આ સિદ્ધિ સાથે સૌરભે ભારતને ઓલિમ્પિકનો ત્રીજો ક્વોટા અપાવ્યો છે. સૌરભનો આ સીનિયર કેટેગરીનો વર્લ્ડ કપ હતો. આ પહેલાં અપૂર્વી ચંદેલા અને અંજુમ મુદ્ગિલે ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે ક્વોટા અપાવ્યા હતા. વર્લ્ડ કપમાં ભારતનો આ બીજો ગોલ્ડ છે. આ પહેલાં શનિવારે અપૂર્વી ચંદેલાએ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ જીતાડ્યો હતો.