જિનીવાઃ ટોચના ટેનિસ સ્ટાર અને ૧૭ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. ઘૂંટણ અને પીઠની ઇજાને કારણે તેણે આ નિર્ણય કર્યો છે. ૧૯૯૯ બાદ પહેલી વાર એવું બન્યું છે કે, આ સ્ટાર ખેલાડીએ કોઇ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચ્યું હોય.
વર્તમાન ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન સ્ટેનલિલાસ વાવરિંકાએ પણ આ સમાચાર જાણીને કહ્યું હતું કે તેના દેશના ખેલાડી રોજર ફેડરરને ઇજાને કારણે ખસી જવું પડયું હોવાથી તે પણ દુઃખી થયો છે. હવે રોલેન્ડ ગેરોસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં મારા દેશનું મારે વધારે સારી રીતે પ્રતિનિધિત્વ કરવું પડશે. રોજર ફેડરર છેલ્લે ફ્રેન્ચ ઓપનમાં ૨૦૦૯માં ચેમ્પિયન બન્યો હતો.
સ્વિત્ઝરલેન્ડનો સ્ટાર ખેલાડી તથા કેટલાક વર્ષો સુધી ટેનિસજગત પર એકહથ્થુ પ્રભુત્વ જાળવનારો ૩૪ વર્ષનો રોજર ફેડરર ૧૯૯૯ બાદ પહેલી વાર કોઇ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં ભાગ નથી લઇ રહ્યો. આ દરમિયાન તેણે સતત ૬૫ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
ફેડરરના લાંબા સમયથી મિત્ર રહેલા વાવરિંકાએ કહ્યું કે, ફેડરરના નહીં રમવાને કારણે હું ઘણો દુઃખી થયો છું અને થોડો ડરેલો પણ છું. આનાથી એ પણ સંકેત મળે છે કે, ટેનિસ ખેલાડીઓને કોઇ પણ સમયે ઇજાને કારણે મેદાનમાંથી બહાર જવું પડી શકે છે. ખેલાડીઓએ ઇજાથી પણ બચવું અનિવાર્ય છે.
વાવરિંકાએ કહ્યું કે, ફેડરરનું ટૂર્નામેન્ટમાંથી બહાર થવું ટેનિસના રમતપ્રેમીઓ માટે દુઃખદ ઘટના છે. પ્રશંસકો તો ખરા જ, પરંતુ મારા માટે પણ આ એક આંચકાજનક સમાચાર છે કારણ કે મારે હવે વધારે સાવચેતી સાથે રમવું પડશે.
નડાલ-જોકોવિચ સેમિ-ફાઇનલમાં?
ફ્રેન્ચ ઓપનના ૨૦ મેના રોજ ડ્રો જાહેર થયા હતા, જેમાં નવ વખતના ચેમ્પિયન રાફેલ નડાલ અને વિશ્વના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચ વચ્ચે સેમિ-ફાઇનલ થવાની સંભાવના છે. જ્યારે બ્રિટનનો એન્ડી મરે બીજી સેમિ-ફાઇનલમાં પૂર્વ ચેમ્પિયન વાવરિંકા સામે ટકરાય તેવી સંભાવના છે. જોકોવિચ અંતિમ આઠમાં પહોંચશે તો થોમસ બર્ડિચ સામે ટકરાય તેવી સંભાવના છે. આમ સેમિ-ફાઇનલ સુધી નડાલ અને જોકોવિચ પહોંચશે તો ફાઇનલમાં તેમનો રસ્તો આસાન હશે.