બર્મિંગહામઃ નાથાન લાયનની છ વિકેટ અને પેટ કમિન્સની છ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડને પાંચમા અને અંતિમ દિવસે ૨૫૧ રને પરાજય આપ્યો છે. આ સાથે મહેમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં ૧-૦થી સરસાઇ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ૧૮ વર્ષ બાદ એજબેસ્ટનમાં ટેસ્ટ વિજય મેળવ્યો છે. છેલ્લો વિજય ૨૦૦૧માં મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ આપેલા ૩૯૮ રનના કપરા લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડનો બીજો દાવ ૫૨.૩ ઓવરમાં માત્ર ૧૪૬ રનના સ્કોરે સમેટાઇ ગયો હતો. રનચેઝમાં ક્રિસ વોકસે ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક ૩૭ રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ઝડપનાર નાથાન લાયને બીજા દાવમાં ૪૯ રનમાં છ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના બંને દાવમાં સદી નોંધાવનાર સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.