વ્હાલા વાચકમિત્રો, તાજેતરમાં ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલી ટીમ ઇંડિયાએ ઓવલ ક્રિકેટ ટેસ્ટ મેચમાં યજમાન ટીમને હરાવીને જે પ્રકારે વિજયપતાકા લહેરાવ્યા તે પ્રસંગે મને અડધી સદી પહેલાના આવા જ શાનદાર વિજયની યાદ અપાવી દીધી. આ સોનેરી યાદોમાં સુગંધ ભેળવી ક્રોલીના ભાઇશ્રી રજનીકાન્ત લિંબાચિયાએ. પણ કઇ રીતે?! વાંચો આગળ...
આજથી ૫૦ વર્ષ પહેલા ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલી ભારતીય ક્રિકેટ ટીમે ૧૦ સપ્ટેમ્બર ૧૯૭૧ના રોજ ઓવલમાં પહેલી ટેસ્ટ મેચ જીતી હતી. તે વેળા ભારતે છ વિકેટે વિજય મેળવ્યો હતો. છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વિરાટ કોહલીના નેતૃત્વમાં આ ઇતિહાસનું પુનરાવર્તન થયું, પણ વધુ શાનદાર રીતે. આ વેળા ભારતે ઇંગ્લેન્ડને ચાર જ દિવસમાં અને ૧૫૭ રને હરાવ્યું. આ ઐતિહાસિક ક્રિકેટ સિદ્ધિનો અહેવાલ ક્રોલીમાં વસતાં ‘ગુજરાત સમાચાર’ના વર્ષોજૂના વાચક શ્રી રજનીકાન્તભાઇ લિંબાચિયાએ મોકલી આપ્યો છે તે બદલ અમે તેમના અત્યંત આભારી છીએ. આ સાથે તેમણે ૧૯૭૧ની મેચના તેમજ ચાલુ વર્ષની મેચના ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા છે, પરંતુ સ્થળસંકોચના કારણે અમે તેનો ઉપયોગ કરી શક્યા નથી તે બદલ દિલગીર પણ છીએ.
રજનીકાન્તભાઇની જેમ હું પણ એવા જૂજ ભાગ્યશાળી ક્રિકેટપ્રેમીઓમાંથી એક છું, જેણે ૧૯૭૧ની મેચ મેદાનમાં જઇને નિહાળી હોય. ૧૯૭૧માં પ્રમાણમાં જૂજ ભારતવંશીઓ સ્ટેડિયમમાં જોવા મળતા હતા. આ પ્રસંગે તે વેળાના ભારતીય હાઇ કમિશનર અત્યંત આદરણીય અપ્પાસાહેબ પંતની યાદ આવે તે સ્વાભાવિક છે. આ વખતે ૨૦૨૧ના ટીમ ઇંડિયાના જ્વલંત વિજય વેળા ઓવલના ક્રિકેટ મેદાનમાં ૩૦ ટકા કે તેથી વધુ ભારતવંશી દર્શકો જોવા મળતા હતા. એક વેળા તો કોમેન્ટ્રેટરે પણ કોમેન્ટ કરી હતી કે સ્ટેડિયમનો માહોલ જોતાં તો એવું લાગી રહ્યું છે કે ભારતીય ટીમ જાણે હોમ ગ્રાઉન્ડમાં રમી રહી છે!
આધુનિક ભારતમાં ક્રિકેટ અને બોલિવૂડ - લોકપ્રિયતાના મામલે - જાણે ધાર્મિક શ્રદ્ધાની સાથે સ્પર્ધામાં ઉતર્યા છે. બન્નેના ચાહકોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આઇપીએલની સફળતાએ તો ક્રિકેટની રમતને લોકપ્રિયતાના સર્વોચ્ચ શીખરે પહોંચાડી દીધી છે. આ જ કારણ છે કે ક્રિકેટની રમતમાં હાર કે જીતની અસર દેશના મૂડ પર પણ જોવા મળી રહી છે, પહેલાં આવું નહોતું. ક્રિકેટની વૈશ્વિક સ્તરે વધી
રહેલી લોકપ્રિયતાનો યશ આઇપીએલને પણ આપવો રહ્યો. આઇપીએલમાં નાણાંની રેલમછેલે તો ભારતનો દબદબો ઓર વધારી દીધો છે.
આજે ક્રિકેટની રમતમાં ભારતના નામના સિક્કા પડે છે એમ કહીએ તો પણ તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી.