૨૦ વર્ષ બાદ લોર્ડસમાં વિજય મેળવતું પાકિસ્તાન

Tuesday 19th July 2016 11:16 EDT
 
 

લંડનઃ બોલર્સના શિસ્તબદ્ધ અને શાનદાર પ્રદર્શન વડે પાકિસ્તાને ઐતિહાસિક લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ૨૦ વર્ષ બાદ પ્રથમ વિજય મેળવ્યો છે. પાકિસ્તાને પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને ૭૫ રને હરાવીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી છે. લોર્ડસમાં ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો રેકોર્ડ ચાર વિજય અને ચાર પરાજયનો રહ્યો છે.
પાકિસ્તાને આપેલા ૨૮૩ રનના હાંસલ કરી શકાય તેવા લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડનો બીજો દાવ ૭૫.૫ ઓવરમાં ૨૦૭ રનના સ્કોરે સમેટાઇ ગયો હતો. બેલેન્સે ૪૩ તથા બેરિસ્ટોએ ૪૮ રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે યાસિર શાહે ૬૯ રનમાં ચાર તથા રાહત અલીએ ત્રણ વિકેટ ખેરવી હતી. પાકિસ્તાનનો બીજો દાવ ૨૧૫ રનના સ્કોરે સમેટાયો હતો.
રનચેઝ માટે મેદાનમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત નબળી રહી હતી અને ૩૨ રનના સ્કોરે ઓપનર એલિસ્ટર કૂક (૮) તથા એલેક્સ હાલેસ (૧૬)ની વિકેટ ગુમાવી હતી. આ પછી ૧૫ રનનો ઉમેરો થયો ત્યાં જોઇ રુટ (૯) પેવેલિયનમાં પરત આવી જતાં ઇંગ્લેન્ડ વધુ મુશ્કેલીમાં મુકાયું હતું. આ ત્રણેય વિકેટ રાહત અલીએ ઝડપી હતી. બે વિકેટ મોહમ્મદ આમિરે જ્યારે વાહેર રિયાજે એક વિકેટ ઝડપી હતી.
વિન્સે ૪૯ બોલમાં નવ બાઉન્ડ્રી વડે ૪૨ તથા બેલેન્સે ૬૬ બોલમાં બાઉન્ડ્રી વડે ૪૩ રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે ૪૯ રનની ભાગીદારી નોંધાવી હતી.
ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરનાર પાકિસ્તાને ૩૩૯ રન કર્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડનો દાવ ૨૭૨ રનમાં જ સમેટાઇ ગયો હતો. ૬૭ રનની લીડ સાથે બીજો દાવ લેવા ઉતરેલી પાકિસ્તાની ટીમે બીજી ઇનિંગમાં ૨૧૫ રન નોંધાવતા ઇંગ્લેન્ડને વિજય માટે ૨૮૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

બેટ્સમેનો જવાબદારઃ કૂક

પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર માટે ઇંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકે બેટ્સમેનોને દોષિત ઠરાવ્યા છે. ઇંગ્લેન્ડને આ મેચમાં જીત માટે ૨૮૩ રન બનાવવાના હતા, પરંતુ સમગ્ર ટીમ મેચના ચોથા દિવસે ૨૦૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હાર બાદ કૂકે કહ્યું કે, ટીમના એક બેટ્સમેને પીચ પર ટકી રહેવાની જરૂર હતી. આ ઉપરાંત બોલ ખાસ સ્પિન થઈ રહ્યો નહોતો તેમ છતાં યાસિર શાહે પ્રથમ ઇનિંગમાં છ વિકેટ ઝડપી હતી. જે અમારા માટે નુકસાનકારક સાબિત થયું હતું.

ટેસ્ટમાં બ્રોડની ૩૫૦ વિકેટ

ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં પોતાની કારકિર્દીમાં ૩૫૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે ઇંગ્લેન્ડનો ત્રીજો તથા વિશ્વનો ૧૭મો ઝડપી બોલર બન્યો છે. તેણે ૧૫ વખત પાંચ વિકેટ અને બે વખત મેચમાં કુલ ૧૦ વિકેટ ઝડપી છે. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને સર્વાધિક વિકેટે (૪૫૪) ઝડપી છે. ત્યારબાદ ઇયાન બોથમે ૧૦૨ ટેસ્ટમાં ૩૮૩ વિકેટ ઝડપી હતી.

૧૯૭૮ બાદ વોકિસની કમાલ

ક્રિસ વોકિસે પાકિસ્તાન સામેની ટેસ્ટના પ્રથમ દાવમાં તથા બીજા દાવમાં પાંચ વિકેટ ખેરવી હતી. લોર્ડસ પર એક ટેસ્ટમાં ૧૦ કે તેથી વધુ વિકેટ ઝડપી હોય તેવો ૩૮ વર્ષ બાદ પ્રથમ બનાવ બન્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter