મુંબઈઃ ઇંગ્લેન્ડના આંગણે રમાનારા વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો દેખાવ કેવો રહેશે એ તો સમય જ કહેશે, પણ આ વર્લ્ડ કપ બાદ પણ ટીમ ઇંડિયાના કોચ તરીકે રવિ શાસ્ત્રી જ યથાવત્ રહેશે તેવી પૂરી સંભાવના છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિનોદ રાયની આગેવાની હેઠળની કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ) રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, બેટિંગ કોચ સંજય બાંગર, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનો કોન્ટ્રેક્ટ નવેમ્બર-૨૦૨૦ સુધી વધારવા વિચારણા કરી રહી છે. કોચ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રેક્ટ જુલાઇ ૨૦૧૯માં પૂરો થઇ રહ્યો છે.
કોચ અને સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રેક્ટ લંબાવવાના મુદ્દે સીઓએ જુલાઇમાં મુદત પૂરી થાય ત્યાં સુધી રાહ જોવા માગતી નથી. આમ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રેક્ટ આગામી નવેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવાનું લગભગ નક્કી છે. આમ, ઓસ્ટ્રેલિયામાં નવેમ્બર ૨૦૨૦માં યોજાનારા ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ સુધી શાસ્ત્રી અને અન્ય સ્ટાફ યથાવત્ જ રહેશે.