કુઆલા લમ્પુરઃ વર્ષ ૨૦૨૨ની વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની યજમાની ચીનના બૈજિંગ શહેરે મેળવી છે. આ રીતે બૈજિંગે સમર ગેમ્સ અને વિન્ટર ગેમ્સની યજમાનીના અધિકાર મેળવનાર પ્રથમ શહેર તરીકે ઇતિહાસ રચ્યો છે.
ચીનના પાટનગર આ ગેમ્સની યજમાનીની હોડમાં અલ્માટી (કઝાકિસ્તાન)ને ૮૫ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)ના સભ્ય દેશોના મતદાન દ્વારા હરાવ્યું હતું. પ્રથમ વોટિંગ વેળા ઇલેક્ટ્રોનિક મશીનમાં ખરાબી સર્જાયા બાદ કાગળ પર મતદાન કરાયું હતું. બૈજિંગે અલ્માટીને ૪૪-૪૦ના મતથી હરાવ્યું હતું. એક સભ્ય દેશે મતદાનમાં ભાગ લીધો નહોતો.
બૈજિંગમાં કુદરતી બરફની ઉણપ હોવા છતાં આ શહેરને યજમાનીના અધિકાર સોંપાયા છે કે તેણે ૨૦૦૮માં ઓલિમ્પિક્સનું સફળ આયોજન કર્યું હતું. ચીનના પ્રતિનિધિ મંડળે આઇઓસીને ખાતરી આપી હતી કે તેઓ વધુ એક વખત આ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે કટિબદ્ધ છે.
૨૦૨૨ની વિન્ટર ગેમ્સની બૈજિંગને યજમાની મળ્યા બાદ રમતોની દુનિયામાં પૂર્વ એશિયાને સતત ત્રીજી વખત ઓલિમ્પિક ગેમ્સની યજમાની મળી છે. સાઉથ કોરિયાના પ્યોંગયાંગને ૨૦૧૮ની વિન્ટર ગેમ્સની તથા ૨૦૨૦ની સમર ઓલિમ્પિક ગેમ્સની યજમાની ટોક્યોએ મેળવી છે. હવે બૈજિંગમાં વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થશે.