ટામ્પેર (ફિનલેન્ડ)ઃ ભારતની ૧૮ વર્ષીય યુવા એથ્લીટ હિમા દાસે સમગ્ર દુનિયાને પોતાની દાસ બનાવી દીધી છે. તાજેતરમાં ચાલી રહેલા જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે ઇતિહાસ રચી દીધો છે. ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી હિમા ૪૦૦ મીટરમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય અને પહેલી મહિલા ખેલાડી બની છે. ફિનલેન્ડના ટામ્પેરમાં રમાઇ રહેલી રમતોમાં તેણે ૫૧.૪૬ સેકન્ડમાં ૪૦૦ મીટરની રેસ પૂરી કરીને દુનિયાભરમાં ત્રિરંગો લહેરાવી દીધો હતો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સેમિ-ફાઇનલમાં તેણે ૫૧.૧૦ સેકન્ડનો સમય લીધો હતો અને પહેલા રાઉન્ડમાં ૫૨.૨૫ સેકન્ડનો સમય લીધો હતી.
આ ગોલ્ડ મેડલ સાથે હિમા દાસ ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર ગણાતી નીરજ ચોપડાની હરોળમાં આવી ગઈ છે. નીરજ ચોપડાએ ૨૦૧૬માં સ્પર્ધામાં ભાગ લેતાંની સાથે જ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. હિમા દાસે પણ ૨૦૧૮માં જુનિયર એથ્લેટિક્સમાં ભાગ લેતાની સાથે જ ગોલ્ડ મેળવીને તેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.