૪૫ મિનિટની ખરાબ રમતથી હાર્યાઃ ભારતનું વિરાટ સ્વપ્ન રોળાયું

Wednesday 17th July 2019 05:56 EDT
 
 

માન્ચેસ્ટરઃ ભારતનું વધુ એક વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે. ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીના શબ્દોમાં કહીએ તો માત્ર ૪૫ મિનિટની ખરાબ રમત ટીમને પરાજયના પંથે દોરી ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને તેની વિવિધ કમિટીઓ હારના કારણોનું પોસ્ટમોર્ટમ કરી રહી છે. કોચ અને કેપ્ટન પાસેથી નબળા પ્રદર્શન અંગે જવાબ મંગાશે તેવા અહેવાલો છે, પરંતુ અત્યારે જબરદસ્ત ફોર્મમાં રહેલી ભારતીય ટીમે હાથમાં આવેલી તક ગુમાવી દીધી છે.
ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી વર્લ્ડ કપની સેમિ-ફાઈનલમાં પરાજય સાથે જ ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું હતું. વર્લ્ડ દાવેદારોમાં ક્યાં પણ સ્થાન ન ધરાવતા ન્યૂઝીલેન્ડે બધાની ધારણાથી વિપરિત ઝમકદાર દેખાવ કરીને ૧૮ રને વિજય સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મંગળવારે શરૂ થયેલી સેમિ-ફાઈનલની અડધી મેચ વરસાદના વિઘ્નથી બીજા દિવસે રમાઇ હતી. ન્યૂઝીલેન્ડે ભારતને ૨૪૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો જોકે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતું ભારતનું ટોપ ઓર્ડર સેમિ-ફાઈનલમાં કૌવત દાખવી શક્યું નહોતું.

કોચ-કેપ્ટન સકંજામાં

સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત સંચાલકોની સમિતિ (COA) કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીનાં પરત ફર્યા બાદ વર્લ્ડ કપમાં ભારતનાં પ્રદર્શનની સમીક્ષા કરશે. વિનોદ રાયના અધ્યક્ષ પદ હેઠળની સમિતિ ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદ સાથે વાત કરશે. આ સમિતિમાં ડાયના એડલજી અને લેફ. જન. (રિટાયર્ડ) રિવ થોડગે પણ રહેશે.
રાયે સિંગાપોરથી કહ્યું કે, ‘કેપ્ટન અને કોચ બ્રેક પરથી આવશે ત્યારબાદ બેઠક જરૂર થશે. હું તારીખ અને સમય નહી જણાવી શકું, પરંતુ અમે તેમની સાથે વાતચીત કરીશું. અમે પસંદગી સમિતિ સાથે પણ વાતચીત કરીશું.’

જવાબ આપવા પડશે

ભારતને સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ૧૮ રનોથી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ગ્રૂપ સ્ટેજમાં ભારતીય ટીમ પહેલા નંબરે હતી. રાયે કહ્યું કે, ‘ભારતનું અભિયાન હમાણા જ પૂર્ણ થયું છે. ક્યાં, ક્યારે અને કેવી રીતે જેવા પ્રશ્નોનો હું તમને કોઈ જ જવાબ નહીં આપી શકું.’ શાસ્ત્રી, કોહલી અને પ્રસાદે કેટલાક પ્રશ્નોનાં જવાબ આપવા પડી શકે છે.

ધોનીના ક્રમ અંગે ખુલાસો

ધોનીને સાતમા ક્રમે બેટિગમાં મોકલવાના મુદ્દે દેશના ક્રિકેટચાહકો નારાજ છે. સમર્થકોથી લઈને ભૂતપૂર્વ ક્રિકેટર્સ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી ગુસ્સામાં છે ત્યારે વિવાદ વકરે તે પહેલાં કોચ રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો હતો કે જો ધોનીને ઉપલા ક્રમે બેટિંગમાં મોકલ્યો હોત અને તે જલદીથી આઉટ થયો હોત તો ટીમ રનચેઝ કરવામાં ફસાઈ ગઈ હોત. ધોનીને સાતમા ક્રમે બેટિંગમાં મોકલવાનો નિર્ણય સમગ્ર ટીમનો હતો. ઇનિંગ્સના અંત ભાગમાં તેના અનુભવની જરૂર હતી. તે વિશ્વનો સૌથી મોટો મેચફિનિશર છે અને જો અમે તેના અનુભવનો ઉપયોગ ના કર્યો હતો તો ધોનીને અન્યાય થાત. ટીમમાં
પ્રત્યેક ખેલાડી ધોની પાછલા ક્રમમાં બેટિંગ કરે તેવું ઇચ્છતો હતો.’

‘ખરાબ રમતથી હાર્યા’

સેમિ-ફાઇનલમાં પરાજય બાદ વ્યથિત કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ‘૪૫ મિનિટની ખરાબ રમતે અમને બહાર કરી દીધા. આ સ્વીકારવું મુશ્કેલ છે. ધોની રનઆઉટ થતાં પરિણામમાં અંતર વધ્યું. જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું.’
ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટ અગાઉ કોહલીએ કહ્યું હતું કે ૨૫૦ રન પણ ડિફેન્ડ કરી શકાય છે. સેમિ-ફાઇનલમાં આ વાત સાચી સાબિત થઈ. મેચમાં ન્યૂઝીલેન્ડે ૮ વિકેટે ૨૩૯ રન કર્યા. જવાબમાં ભારતે પ્રથમ કલાકમાં ૧૦ ઓવરમાં ૨૪ રનમાં ૪ વિકેટ ગુમાવી હતી. ધોનીનું ૪૯મી ઓવરમાં રનઆઉટ થવું ટર્નિંગ પોઇન્ટ રહ્યું. ટીમ ઇન્ડિયા ૪૯.૩ ઓવરમાં ૨૨૧ રન કરી આઉટ થઈ હતી.

ધોની ખોટો આઉટ?

સેમિ-ફાઇનલ મેચના ઘણા વીડિયો - ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આવી જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવી દલીલ થઇ રહી છે કે ધોની જે બોલ પર આઉટ થયો તે ‘નો-બોલ’ હતો.
યૂઝર્સનું કહેવું છે કે અમ્પાયરે ધોનીના રનઆઉટના નિર્ણયમાં પાવર પ્લે દરમિયાન ફીલ્ડિંગના નિયમોની અવગણના કરી છે. ત્રીજા પાવર પ્લેમાં ૩૦ યાર્ડ સર્કલમાં મહત્તમ ૫ ખેલાડી જ બહાર રહી શકે છે પરંતુ જ્યારે ધોની રનઆઉટ થયો તે સમયે ૬ ખેલાડી સર્કલ બહાર હતા. આથી જ કેટલાકે આને ‘અંપાયરની ગંભીર ભૂલ’ ગણાવી છે.

નિયમ મુજબ, ત્રીજા પાવર પ્લે દરમિયાન ૩૦ યાર્ડ સર્કલની બહાર વધુમાં વધુ ૫ ખેલાડી રહી શકે છે, પરંતુ ધોનીને બોલિંગ કરતા પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ ગ્રાફિક્સમાં દેખાઈ રહ્યું છે કે ન્યૂઝીલેન્ડના ૬ ખેલાડી સર્કલની બહાર ઉભા છે. ધોની જે બોલ પર રન આઉટ થયો હતો તે નો-બોલ અપાયો હોત તો પણ ધોની આઉટ જ હોત. કારણ કે નો-બોલમાં રન આઉટ સિવાય અન્ય કોઈ રીતે આઉટ હોય તો તેને નોટ-આઉટ આપવામાં આવે છે.

શરમજનક વિક્રમ

ભારત માટે આ ટાર્ગેટ ખાસ મોટો નહોતો પણ ટીમના ટોપ ઓર્ડરનો ધબડકો અને મિડલ ઓર્ડરના આયોજન વગરના પરફોર્મન્સને કારણે પરાજય થયો હતો. માત્ર પાંચ રનમાં ત્રણ વિકેટ પડી ગઇ હતી. રોહિત શર્મા, રાહુલ અને વિરાટ માત્ર ૧-૧ રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. એક તબક્કે ૯૨ રનમાં ૬ વિકેટ પડી ગઈ હતી. જોકે જાડેજા (૭૭) અને ધોની (૫૦)એ સાતમી વિકેટ માટે ૧૧૬ રનની ભાગીદારી કરી હતી.
ટોચના ત્રણેય બેટ્સમેનોએ કુલ ત્રણ રન બનાવ્યા હતા અને તેમણે ૧૪ વર્ષ પૂર્વે ૨૦૦૫માં ભારતના ત્રણ ટોચના બેટ્સમેન સેહવાગ, સચિન તથા કૈફે સાઉથ આફ્રિકા સામે હૈદરાબાદમાં નોંધાવેલા કુલ ચાર રનના શરમજનક રેકોર્ડને તોડી નાખ્યો હતો. સેહવાગ એક રન, સચિન બે રન બનાવી પોલોકની બોલિંગમાં આઉટ થયો હતો. પછી કૈફે એક રન બનાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter