લાસ વેગાસઃ યુએસના ફ્લોઇડ મેવેધરે પોતાની અંતિમ ફાઇટને શાનથી જીતી લઇને પ્રોફેશનલ બોક્સિંગને અલવિદા કરી છે. તેણે પોતાના ૪૯મા મુકાબલામાં ભૂતપૂર્વ ચેમ્પિયન આન્દ્રે બર્ટોને હરાવ્યો હતો. ટીબીઇ (ધ બેસ્ટ એવર)ના નામથી લોકપ્રિય મેવેધર પ્રોફેશનલ બોક્સિંગમાં અપરાજીત રહ્યો છે. તેનો રેકોર્ડ ૪૯-૦નો રહ્યો છે.
૩૮ વર્ષીય મેવેધરે શનિવારે એમજીએમ ગ્રાન્ડ એરેનામાં ૧૪ હજાર પ્રેક્ષકોની વચ્ચે પોતાના દેશના બર્ટોને ૧૨ રાઉન્ડમાં હરાવ્યો હતો. ત્રણ જજે સર્વાનુમતે તેને વિજેતા જાહેર કર્યો હતો.
મેવેધરે જણાવ્યું હતું કે હું મારી કારકિર્દીને સત્તાવાર રીતે અલવિદા કરી રહ્યો છું. મારા મતે નિવૃત્તિ લેવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે.
તેણે કહ્યું હતું કે હું ૪૦ વર્ષનો થવાની તૈયારીમાં છું. છેલ્લા ૧૯ વર્ષથી સતત રમી રહ્યો છું. દરમિયાન સતત વિજય હાંસલ કર્યા છે અને લગભગ મોટા ભાગના રેકોર્ડ તોડ્યા છે. મારે હવે બોક્સિંગમાં કશું સાબિત કરવાનું હોય તેમ મને લાગતું નથી.
મેવેધરે આ વિજય સાથે પોતાના ડબ્લ્યુબીસી તથા ડબ્લ્યુબીએ વેલ્ટર વેઇટ ટાઇટલ પણ બચાવ્યા છે. અમેરિકન બોક્સરે પાંચ વર્ગમાં ૧૨ વર્લ્ડ ટાઇટલ જીત્યા છે અને તે ૧૯ વર્ષની પોતાની કારકિર્દીમાં ૧૮ વર્ષ વર્લ્ડ ચેમ્પિયન રહ્યો છે.
૩૬ મિનિટ, ૨૩૨ પંચ
મેવેધર હરીફ બર્ટોને નોકઆઉટ તો કરી શક્યો નહોતો, પરંતુ મુકાબલો એકતરફી રહ્યો હતો. બર્ટોના ૮૩ની સરખામણીમાં મેવેધરે ૨૩૨ પંચ માર્યા હતા. ચુસ્તતામાં પણ મેવેધરનો દબદબો રહ્યો હતો.