માન્ચેસ્ટરઃ વર્લ્ડ કપમાં રવિવારે ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ એહમદે પ્રતિભાવ આપતાં ભારતની વર્તમાન ટીમને વધારે શક્તિશાળી ગણાવી હતી. તેણે કહ્યું હતું કે જે ટીમ દબાણ ખાળે છે તે મચ જીતતી હોય છે. ૯૦ના દશકામાં પાકિસ્તાની ટીમ ભારત કરતા વધારે શક્તિશાળી હતી, પરંતુ હવે ભારતીય ટીમ અમારા કરતા વધારે મજબૂત છે. અમારી ટીમે રમતના ત્રણેય પાસામાંથી ખરાબ પ્રદર્શન કર્યું હતું.
ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાના નિર્ણયનો બચાવ કરતાં સરફરાઝે જણાવ્યું હતું કે કોહલીએ પણ ટોસ થયા બાદ કહ્યું હતું કે તેણે પણ પ્રથમ ફિલ્ડિંગ કરી હોત. અમે બે દિવસથી પિચનું નિરીક્ષણ કર્યું નહોતું. પિચમાં નરમાશની સાથે ભેજ હતો. તેથી અમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે અમારા બોલર્સ સાચી લાઇનલેન્થથી બોલિંગ કરી શક્યા નહોતા. રોહિતને બે વખત રનઆઉટ કરવાની અમે તક ગુમાવી હતી. તે આઉટ થયો હોત તો મેચનાં પરિણામ અલગ આવ્યું હોત.