એરિઝોનાઃ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અમેરિકન બોક્સર મોહમ્મદ અલીએ પોતાની સૌથી મોટી ઈચ્છા જાહેર કરી છે. તે મરતા પહેલા એક વખત બ્રિટનનાં મહારાણી ક્વિન એલિઝાબેથને મળવા માગે છે. ૭૪ વર્ષીય અલી છેલ્લા ત્રણ દાયકાથી પાર્કિન્સનની બીમારથી પીડાય છે. તેઓ કહે છે કે આ વર્ષે ઉનાળામાં યોજાનારી મારી લંડન ટૂર યુકેનો મારો અંતિમ પ્રવાસ હોય શકે છે. હું ક્વિનની મુલાકાત લઇને તેને યાદગાર બનાવવા માગું છું. મારી તેમની સાથે મુલાકાત કરાવી આપો. આશા છે કે તે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી મને મળવાનો સમય ફાળવશે. અલી આ પહેલા પણ અનેક દેશોના રાષ્ટ્રપતિ સહિત અન્ય મોટી હસ્તીઓને મળી ચૂક્યા છે.
અલીના લેખક મિત્ર ડેવિ મિલરે કહ્યું હતું, ‘મેં અલીની આ યાત્રા અંગે તેમના પત્ની લૂની સાથે વાત કરી છે. ડોક્ટરોએ તેમની લંડન યાત્રા માટે ફિટનેસ શિડ્યુઅલ બનાવ્યો છે. લંડનથી અલીની અનેક યાદો જોડાઈ છે. તેઓ અલગ-અલગ ટાઈમ ઝોનમાં યાત્રા કરશે, જેથી વધુ થાક ન લાગે. લૂનીએ કહ્યું કે મારા પતિ અલી લંડનને પોતાનું બીજું ઘર માને છે. તે ત્યાંના લોકોને બહુ પ્રેમ કરે છે. તે લાર્જર ધેન લાઇફ છે. હું ઈચ્છું છું કે મહારાણી તેમને મળવા માટે સમય ફાળવે.’
અલીએ હેવી વેઇટ બોક્સિંગમાં લાંબા સમય સુધી પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. તેમણે પોતાની ૬૧ ફાઈટમાંથી ૫૬ ફાઈટ જીતી હતી. તેની અને અમેરિકન બોક્સર જો ફ્રેઝિયરની પ્રતિદ્વંદીતા જગજાહેર છે.
દરમિયાન બ્રિટનના પૂર્વ હેવિવેઇટ ચેમ્પિયન ડેવિડ હાયે મોહમ્મદ અલીને નાઈટહુડની ઉપાધિથી સન્માનિત કરવા માટે અનુરોધ કર્યો છે. તેમના આ અનુરોધને અત્યાર સુધીમાં ૨૧ હજાર લોકોનું સમર્થન કર્યું છે. મેયર બોરિસ જ્હોન્સન, સર બોબ ગેલ્ડોફ, ચેમ્પિયન બોક્સર એન્થોની જોશુઆ અને કોમેડિયન જ્હોન બિશપ સાથે અનેક હસ્તીઓએ પણ તેમને નાઈટહુડ આપવા માટે નિવેદન કર્યું છે.
લંડનમાં આઇ એમ ધ ગ્રેટેસ્ટ એક્ઝિબિશન
લંડનના ઓ-ટુ એરિનામાં મોહમ્મદ અલીના જીવન અને તેમની કેરિયર સાથે જોડાયેલી વસ્તુઓનું એક્ઝિબિશન યોજાયું છે. આ એક્ઝિબિશનનું નામ છે આઈ એમ ધ ગ્રેટેસ્ટ. જેનું ઉદ્ઘાટન અલીની પત્ની લૂનીએ કર્યું હતું. એમાં અલીના ગ્લોવ્સ, હેડગિયર, જૂતા, રોબ વગેરે રખાયા છે. એક્ઝિબિશનના કો-ક્યૂરેટર ડેવિસ મિલરે જણાવ્યું કે આ એક્ઝિબિશન આ વર્ષે ઓગસ્ટ સુધી ચાલશે. આ એક્ઝિબિશન અલીના વ્યક્તિગત જીવન અંગે છે.