અમદાવાદ: આઈપીએલમાં સામેલ થયેલી નવી અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા ટીમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફ્રેન્ચાઈઝીએ ટીમનું નામ ‘ગુજરાત ટાઈટન્સ’ રાખ્યું છે. ટીમના તેજીલા તોખાર જેવા કેપ્ટન હાર્દિક પંડ્યા, હેડ કોચ આશિષ નેહરા અને સીવીસી કેપિટલ્સના સિદ્ધાર્થ પટેલે ભારત વિરુદ્ધની બીજી વન-ડે અગાઉ પ્રી-મેચ શો દરમિયાન ટીમના નામની જાહેરાત કરી હતી.
ગુજરાત ટાઇટન્સના સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, ‘અમારી ફિલોસોફી સાહસિકતા અને રમતની ભાવનાની છે, જેનાથી પ્રેરિત થઈને અમે દરેક નિર્ણય લઈએ છીએ, કારણ કે અમે આ પાયાથી આ ફ્રેન્ચાઇઝ ઊભી કરી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ ગ્રૂપ ગુજરાત અને એના ઘણા ઉત્સાહી ચાહકો માટે ઘણી સીમાચિહનરૂપ સફળતાઓ મેળવે, જે કારણે અમે ટીમનું નામ ‘ટાઇટન્સ’ પસંદ કર્યું છે.’
અમદાવાદની ટીમે આઈપીએલ હરાજી અગાઉની ડ્રાફ્ટ પ્રક્રિયા થકી કેપ્ટન હાર્દિક પંડ્યા, સ્પિનર રાશિદ અને ઓપનર બેટર શુભમન ગિલને ટીમની સાથે જોડ્યા છે. હાર્દિક પંડ્યા ટીમના કેપ્ટન તરીકે સુકાન સંભાળશે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર વિક્રમ સોલંકી ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ, આશિષ નેહરા ટીમના હેડ કોચ, ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર તથા બેટિંગ કોચ રહેશે.
ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને ૧૫-૧૫ કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડ્યા છે, જ્યારે શુભમન ગિલને રૂ. ૮ કરોડમાં ટીમમાં સામેલ કરાયો છે. આ આઈપીએલમાં તમામ ટીમોના ઓક્શન પર્સને ૯૦ કરોડ કરવામાં આવ્યું છે, જેમાંથી ગુજરાત ટાઈટન્સે કુલ ૩૮ કરોડનો ખર્ચ ૩ ખેલાડીઓ પાછળ કર્યા બાદ હવે ૧૨-૧૩ ફેબ્રુઆરીએ બેંગલુરુ ખાતે યોજાનારી મેગા હરાજી માટે ટીમ પાસે ૫૨ કરોડ રૂપિયાની રકમ રહેશે.