લંડનઃ પિયુષ ગુડકા કેન્યાના મોમ્બાસામાં બાળપણ વીતાવતા હતા ત્યારે તેમણે મેરેથોન વિશે સાંભળ્યું પણ ન હતું. આજે તેઓ મેરેથોન દોડની સદી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેઓ ૧૭ માર્ચ,૨૦૧૯ના દિવસે ધ લોગીકોમ સાયપ્રસ મેરેથોન દોડવા સાથે સદી પૂર્ણ કરશે. તેઓ સારા ઉદ્દેશો માટે નાણા એકત્ર કરવા પણ દોડમાં જોડાય છે. તેઓ ૧૯૭૨માં સ્થળાંતર કરી લંડન આવ્યા તે પછી તેમનું વિશ્વ જ બદલાઈ ગયું હતું. તેમણે ૧૯૯૪માં પ્રથમ મેરેથોનમાં ભાગ લીધો અને પછી પાછું વળીને જોયું નથી. મેરેથોનમાં જાત-પાત, પૂર્વગ્રહો, વય કે જાતીય સંદર્ભોને કોઈ સ્થાન હોતું નથી. આ જ સમાનતાએ તેમને પ્રભાવિત કર્યા છે.
તેમણે લોકોને પણ પોતાના દોડ ઉત્સાહમાં સહભાગી બનાવ્યા છે અને ૨૦૧૮માં ૨૨૫ લોકોને દોડની પ્રેરણા અને તાલીમ આપી છે, જેમાં ૩૬ ટકા મહિલા છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ક્વોલિફાઈડ પર્સનલ ટ્રેઈનર પિયુષના રેકોર્ડથી લંડન મેરેથોનના આયોજકો પણ પ્રભાવિત થયા છે. ગુડકા દર વર્ષે સરેરાશ ૩૦૦થી ૪૦૦ કલાક લોકોને તેમનું સ્વપ્ન સાકાર કરવા અને નાણા એકત્ર કરવાની સલાહ, સપોર્ટ અને સાથે દોડવા માટે આપે છે.
પિયુષ ગુડકાના ગ્રૂપે અત્યાર સુધી ૮૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી છે અને ૫૦,૦૦૦ માઈલથી વધુ અંતર દોડમાં કાપ્યું છે. સાચા અર્થમાં ગ્લોબલ સિટીઝન પિયુષ ગુડકાએ છ ખંડના ૩૦ દેશમાં મેરેથોન દોડ લગાવી છે, જેમાં ટોક્યો, બોસ્ટન, લંડન, બર્લિન, શિકાગો અને ન્યૂ યોર્ક મેરેથોનનો સમાવેશ થાય છે.