માન્ચેસ્ટરઃ વિશ્વના ફિટેસ્ટ ફિલ્ડરમાં સામેલ ભારતના રવિન્દ્ર જાડેજાએ વર્તમાન વર્લ્ડ કોપમાં એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે ફિલ્ડર તરીકે બે જ મેચમાં ૪૧ રન બચાવ્યા છે. આંકડાના અનુસાર વર્લ્ડ કપ ૨૦૧૯માં ૧૦ ટીમોમાંથી કોઈ ખેલાડીએ ૯ કે ૧૦ મેચ રમીને પણ જાડેજા જેટલા રન પોતાની ટીમ માટે બચાવ્યા નથી. જાડેજા પ્રથમ આઠ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનનો સભ્ય નહોતો. જોકે કુલદીપ યાદવ તથા કેદાર જાધવના ખરાબ દેખાવના કારણે તેને આખરે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અગાઉની મેચમાં તેણે બે કેચ પકડયા હતા. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેણે એક સીધા થ્રો વડે રનઆઉટ કરવા ઉપરાંત એક શાનદાર કેચ પણ પકડ્યો હતો.
જાડેજાએ સેમિ-ફાઇનલમાં લડાયક ઈનિંગ રમી તે અગાઉ ફિલ્ડિંગમાં પણ કમાલ દેખાડી હતી. તેણે બાઉન્ડ્રીની નજીકથી એકદમ ચોકસાઇભર્યો થ્રો કરતાં બોલ સીધો જ સ્ટમ્પ પર ટકરાયો હતો અને ટેલર રનઆઉટ થયો હતો. ટેલરને ખુદને જાડેજાના આ પ્રકારના થ્રોની કલ્પના ન હતી. આ પથી જાડેજાએ બાઉન્ડ્રી નજીક લાથમનો જબરજસ્ત કેચ ઝડપીને ન્યૂઝીલેન્ડને નિયંત્રણમાં રાખ્યું હતું.
૭૭ રનની ઈનિંગ રેકોર્ડ બુકમાં
રવીન્દ્ર જાડેજાએ આઠમા ક્રમે બેટિંગમાં ઉતરીને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ૭૭ રનની આક્રમક બેટિંગ કરી હતી. જાડેજાની આ ઈનિંગને રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. તે વર્લ્ડ કપના ઈતિહાસની નોકઆઉટ મેચોમાં આઠમા કે તેનાથી નીચેના ક્રમે બેટિંગમાં ઉતરીને હાઈએસ્ટ સ્કોર કરનારો બેટ્સમેન બની ગયો છે. આ અગાઉનો રેકોર્ડ વિન્ડીઝના જેસન હોલ્ડરના નામે હતો, જેણે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ન્યૂઝિલેન્ડ સામેની વેલિંગ્ટન વન ડેમાં માત્ર ૩૩ બોલમાં ૪૨ રન ફટકાર્યા હતા.
વર્લ્ડ કપમાં ખેલાડીઓ દ્વારા
બચાવાયેલા સૌથી વધારે રન
૪૧ રન – રવિન્દ્ર જાડેજા (૨ મેચ)
૨૪ રન – માર્ટિન ગપ્ટિલ (૯ મેચ)
૩૨ રન – ગ્લેન મેક્સવેલ (૯ મેચ)
૨૭ રન – માર્કસ સ્ટોઇનિસ (૭ મેચ)
૨૭ રન – શેલ્ડન કોટ્રેલ (૯ મેચ)