ન્યૂ યોર્કઃ વર્લ્ડ ઓફ સ્પોર્ટસમાં વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ કમાણી કરતાં ટોચના ૧૦૦ સુપરસ્ટાર સ્પોર્ટસ પર્સન્સની યાદીમાં ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન અપાયું છે. ધનિકોની સંપત્તિ પર બાજનજર રાખતાં ‘ફોર્બ્સ’ની યાદીમાં સ્થાન મેળવનારા આ એકમાત્ર ભારતીય ખેલાડીની વાર્ષિક કમાણી ૧૬૧ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દુનિયાના સૌથી વધુ કમાણી કરતાં ખેલાડીઓની યાદીમાં વિરાટ ૮૩મું સ્થાન ધરાવે છે.
‘ફોર્બ્સ’ના મતે વર્ષ ૨૦૧૮માં દુનિયાનો સૌથી વધુ કમાણી કરતો ખેલાડી અમેરિકાનો બોક્સર ફ્લોઈડ મેવેધર છે. આ તુંડમિજાજી અને પોતાની અઢળક સંપત્તિનો સોશિયલ મીડિયા પર તસવીરો-વીડિયો થકી દેખાડો કરનારા બોક્સરની વાર્ષિક કમાણી આશરે ૧૯૦૭.૧૫ કરોડ રૂપિયા (૨૮.૫ કરોડ ડોલર) જેટલી થાય છે. જ્યારે બીજું સ્થાન આર્જેન્ટીનાના મેજિકલ ફૂટબોલર લાયોનેલ મેસ્સીને મળ્યું છે. મેસ્સીની વાર્ષિક કમાણી રૂપિયા ૭૪૨.૭૮ કરોડ રૂપિયા હોવાનો અંદાજ ‘ફોર્બ્સ’એ માંડયો છે, જે ડોલરમાં ૧૧.૧ કરોડ છે.
રસપ્રદ બાબત એ છે કે, સૌથી વધુ કમાણી કરતાં આ ટોચના ૧૦૦ ખેલાડીઓમાં એક પણ મહિલા ખેલાડીને સ્થાન મળ્યું નથી. જ્યારે ૧૦૦માંથી ૪૦ ખેલાડીઓ તો અમેરિકાની ભારે લોકપ્રિયતા ધરાવતી બાસ્કેટબોલ લીગ એનબીએના છે. ટોપ-૧૦માં ત્રણ ફૂટબોલરો, બે બોક્સરો, બે બાસ્કેટબોલ ખેલાડીઓ અને બે અમેરિકન ફૂટબોલના ખેલાડીઓ છે. જ્યારે એક ખેલાડી ટેનિસનો છે. મેસ્સી પછી બીજું સ્થાન પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને અપાયું છે, જેની કમાણી રૂપિયા ૭૨૨.૭૧ કરોડ (૧૦.૮ કરોડ ડોલર) હોવાનો અંદાજ છે. મેસ્સીની કમાણી રોનાલ્ડો કરતાં રૂપિયા ૨૦.૦૭ કરોડ વધુ છે. જ્યારે ચોથા સ્થાને બોક્સર કોન્નોર મેક્ગ્રેગોરીને તક મળી છે.
કોહલીનો પગારઃ ૧ મિલિયન ડોલર
‘ફોર્બ્સ’એ કોહલી માટે લખ્યું છે કે, ભારતીય કેપ્ટનને બોર્ડ તરફથી હાલમાં ૧૦ લાખ ડોલર પગાર પેટે મળે છે. જ્યારે અન્ય કમાણી જાહેરખબરો તેમજ અન્ય કોન્ટ્રાક્ટ્સથી થાય છે. ૨૯ વર્ષના કોહલીને અગાઉ પણ ‘ફોર્બ્સ’ની જુદી-જુદી યાદીમાં સ્થાન મળી ચૂક્યું છે. અન્ય ત્રણ એક્ટિવ સ્પોર્ટસ સ્ટાર્સ કરતાં કોહલીના ટ્વિટર પરના ફોલોઅર્સની સંખ્યા વધારે છે. કોહલીને આ યાદીમાં ૮૩મું સ્થાન મળ્યું છે. જોકે તેના સિવાય અન્ય કોઈ ભારતીય ખેલાડીને તેમાં તક મળી નથી.
કોઈ મહિલા ખેલાડી કેમ નહીં?
આ વર્ષે સ્પોર્ટસમાં ધીકતી કમાણી કરતા ટોપ-૧૦૦ સુપરસ્ટાર્સમાં એક પણ મહિલા નથી. અગાઉ યાદીમાં ચીનની લી ના, રશિયાની મારિયા શારાપોવા અને અમેરિકાની સેરેના વિલિયમ્સને સ્થાન મળી ચૂક્યું છે. જોકે આ વખતે તેમાંથી કોઈ નામ નથી. ‘ફોર્બ્સ’એ સ્પષટતા કરી છે કે, લી નાએ ૨૦૧૪માં નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જ્યારે શારાપોવા ડોપિંગ પ્રતિબંધ બાદ પુનરાગમન કરવા માટે સંઘર્ષ કરી રહી છે. વિલિયમ્સ એકમાત્ર મહિલા ખેલાડી હતી કે, જે આ યાદીમાં સ્થાન ધરાવતી હતી. જોકે મેટરનિટી લીવને કારણે તેની ઈનામી રકમ વર્ષમાં ૮૦ લાખ ડોલરથી ઘટીને માત્ર ૬૨,૦૦૦ ડોલર થઈ ગઈ હતી. આમ તેને યાદીમાં સ્થાન મળ્યું નથી.
પસંદગીના કડક ધોરણ
‘ફોર્બ્સ’એ જણાવ્યું કે, આ વખતે ટોચના સ્પોર્ટસ પર્સન્સ નક્કી કરવાના માપદંડો મુશ્કેલ રખાયા હતા. કટ ઓફ મેરિટ ૧.૫ મિલિયન ડોલરથી વધારીને ૨૨.૯ મિલિયન ડોલર કરી દેવાયું હતું. આ વખતની યાદી અનુસાર ટોપના ૧૦૦ એથ્લીટ્સની કુલ કમાણી રૂપિયા ૩.૮ બિલિયન ડોલર થવા જાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ટોચના એથ્લીટ્સની કમાણીમાં ૨૩ ટકા જેટલો વધારો થયો છે. ‘ફોર્બ્સ’ના મતે ખેલાડીઓનો પગાર તેમજ ઈનામી રકમ વધી છે. જોકે કોન્ટ્રેક્ટ એટલે કે જાહેરખબરોમાંથી ખેલાડીઓને થકી કમાણીમાં સતત બીજા વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. કંપનીઓએ સ્પોર્ટસ બજેટ પર કાપ મૂકતાં આ વખતે કુલ મળીને ૮૭.૭ કરોડ ડોલર જાહેરખબરની આવકનો ઘટાડો જોવા મળ્યો છે.